ટેસ્ટ ઓફ ગુજરાતરાંદેરની આલુપૂરીના સૌ કોઈ દીવાના:સુરતમાં 'નાખુદા આલુપૂરી'ને કોકમ-લીલી ચટણીએ ફેમસ કરી, એક ટંકનું ભોજન કરી લીધાનો અહેસાસ

સુરતએક મહિનો પહેલાલેખક: ધ્રુવ સોમપુરા

સુરતનું જમણ ને કાશીનું મરણ... આ કહેવત કાંઈ એમ ને એમ સદીઓ જૂની નથી પડી. સુરતની ચટાકેદાર વાનગીઓ એક ખાવ ને એક ભૂલો... આવી જ એક ચટાકેદાર, લહેજતદાર વાનગીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે આલુપૂરી.. ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે આલુપૂરી પણ એક પસંદગીનું વ્યંજન બન્યું છે. 70 વર્ષ પહેલાં રાંદેર ટાઉનમાંથી શરૂ થયેલી આલુપૂરી આજે શહેરના ખૂણે ખૂણે પ્રખ્યાત વાનગી બની ગઈ છે. આ આલુપૂરી નાસ્તામાં પણ લોકો લઈ રહ્યા છે અને ભોજન તરીકે પણ લોકો આરોગતા હોય છે.

વર્ષોથી રાંદેર ટાઉનની જ આલુપૂરી છે પ્રખ્યાત
રાંદેર ટાઉનમાં પ્રખ્યાત આલુપૂરી વેચનાર ઐયુબ નાખુદાએ જણાવ્યું હતું કે આલુપૂરીની શરૂઆત વર્ષો પહેલાં રાંદેર ટાઉન ખાતે થઈ હતી. એક અમ્મા દ્વારા બનાવેલી આલુપૂરીની વાનગી ન માત્ર સુરત પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અનેક શહેરોમાં પ્રખ્યાત બની ગઈ છે. આજે સમગ્ર સુરતમાં રાંદેરની પ્રખ્યાત આલુપૂરીના નામથી ખૂણે ખૂણે વેચાઈ રહી છે. એટલું જ નહીં અમારે ત્યાં ન માત્ર સુરત પરંતુ અમદાવાદ, મુંબઈ અને અનેક શહેરોમાંથી સુરત આવેલ નાગરિક આલુપૂરી ખાવા માટે આવે છે.

સવારે 4 વાગ્યાથી કારીગરો મથે ત્યારે આલુપૂરી બને
આ આલુપૂરી બનાવવા માટે વહેલી સવારે ચાર વાગ્યાથી કારીગરોને સાથે રાખી મહેનત કરીએ છીએ. છેલ્લાં 20 વર્ષથી વધુ સમયથી આલુપૂરીના આ જ વ્યવસાય સાથે જોડાયેલા છે. વર્ષો પહેલાં મારા નાનાજી દ્વારા અહીંથી જ નાની લારી રાખી આલુપૂરી વેચતા હતા. હું 20 વર્ષ પહેલાં એક ટેબલ રાખીને સમોસા અને માત્ર આલુપૂરી વેચતો હતો. પરંતુ ધીરે ધીરે રાંદેરની આલુપૂરી એટલી પ્રખ્યાત બની રહી હતી અને સ્વાદ પ્રિય સુરતીઓ રાંદેરની આલુપૂરીનો સ્વાદ લેવા મારે ત્યાં આવતા થયા. જેથી આજે નાખુદા નાસ્તા સેન્ટરના નામે આલુપૂરી વ્યવસાય કરી મારું ઘર ચલાવું છું.

સુરતની આલુપૂરી સ્વાદ પ્રિય માટે ખૂબ જ પસંદગીનું મધ્યમ
એક કહેવત ખૂબ જ પ્રખ્યાત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ જે ખરેખર સુરતમાં જ ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ અવનવી વાનગીઓ બનાવવામાં માહેર છે. આ વાનગીઓને સ્વાદ પ્રિય સુરતીઓ આરોગવામાં પણ એટલા જ શોખીન જોવા મળી રહ્યા છે. સુરતની આ વાનગી ન માત્ર સુરતની અંદર પરંતુ સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત બની જાય છે. આવી જ અનેક વાનગીઓમાંની એક આલુપૂરીની વાનગી સુરતીઓનું એક મહત્ત્વનું પસંદગીનું માધ્યમ બની રહ્યું છે.

આલુપૂરીને સવારના નાસ્તમાં શોખીનો પસંદ કરે છે
અંદાજે 70 વર્ષ પહેલાં રાંદેર ટાઉનમાંથી શરૂ થયેલી આલુપૂરી આજે આખા સુરતના ખૂણે ખૂણે વેચાઈ રહી છે. અને સ્વાદ પ્રિય સુરતીઓની પસંદગીનું એક માધ્યમ પણ બની રહી છે. સારી સારી જગ્યાએ આલુપૂરી આરોગવા લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. આ આલુપૂરીને ખાસ કરીને ખાણી પીણીના શોખીન સવારે નાસ્તામાં વધુ પસંદ કરે છે. કેટલાક સંજોગોમાં તો લોકો આ આલુપૂરીને બપોરના ભોજનમાં પણ આરોગે છે.

જાણો શું છે આ આલુપૂરીનો ઇતિહાસ
અંદાજે આજથી 70 વર્ષ પૂર્વ આલુપૂરીની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરનો જ્યારે પૂરતો વિકાસ પણ નહોતો થયો અને એક નાના કસબા જેટલું સુરત હતું તે સમયે રાંદેર ટાઉનમાંથી આ આલુપૂરીની શરૂઆત થઈ હતી. રાંદેર ટાઉનના તીનબત્તી ખાતે રહેતાં અમ્મા નામથી પ્રખ્યાત મહિલા દ્વારા આ આલુપૂરી બનાવવામાં આવતી હતી. અને તેમની પાસે આલુપૂરી ખાવા માટે માત્ર ટાઉનના આસપાસથી જ લોકો આવતા હતા. તેમના સિવાય રાંદેર ટાઉનમાં આલુપૂરી કોઈ જ બનાવતું ન હતું.

અમ્માએ પૂરી પર બટાકાનું શાક મૂક્યું ને બની આલુપૂરી
એવું કહેવાય છે કે શાકપૂરીની જગ્યાએ અમ્મા દ્વારા પૂરી ઉપર વટાણા બટાકાનું શાક મૂકીને આલુપૂરી નામ આપીને વેચવામાં આવતી હતી. જે તે સમયે આ આલુપૂરી માત્ર રાંદેર ટાઉનમાં જ મુસ્લિમ સમુદાયના લોકો જાણતા હતા અને તેને ખાતા હતા. રાંદેર ટાઉનમાં આલુપૂરી ખાવા માટે લોકોની ઈચ્છાશક્તિ વધતી દેખાતા આ આલુપૂરીની રેસિપી જાણી જુદા જુદા લોકોએ પણ તે બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આ આલુપૂરી રાંદેર ટાઉન બાદ સમગ્ર રાંદેર વિસ્તારમાં વેચાવા લાગી હતી. આજે 70 વર્ષ બાદ આ આલુપૂરી એટલી પ્રખ્યાત બની ગઈ છે કે શહેરનો એક પણ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં આલુપૂરી મળશે તેવા બોર્ડ સાથે આલુપૂરીની લારી કે દુકાન ન જોવા મળતી હોય.

સામાન્ય ભાવમાં જ મળી રહે છે આલુપૂરી
ખાવાના શોખીન સુરતીઓ આલુપૂરીને જે રીતે પસંદગી કરી રહ્યા છે તેની પાછળ તેનો સ્વાદ તો ખરો સાથે તેની કિંમત પણ એટલી જ કિફાયતી છે. આલુપૂરીની એક પ્લેટ આજે ખૂબ જ સામાન્ય ભાવમાં મળી રહે છે. જોકે આજની સ્થિતિમાં વેરાઈટીના પ્રમાણમાં આલુપૂરીની પ્લેટના પણ જુદા જુદા ભાવ થઈ ગયા છે. પરંતુ આ વર્ષો પહેલાં આલુપૂરી એક જ વેરાઈટી સાથે મળતી હતી ત્યારે નજીવા દરમાં એક સમયનું ભોજન થઈ જાય તે ભાવે મળી રહેતી હતી. વર્ષો પહેલાં આલુપૂરીની એક પ્લેટનો ભાવ પાંચ રૂપિયામાં 10 નંગ આલુપૂરી મળતી હતી.

દસ ને વીસ રૂપિયાની એક પ્લેટ આલુપૂરી
આજે આ જ આલુપૂરીની એક પ્લેટ દસ રૂપિયા અને 20 રૂપિયાની થઈ ગઈ છે. આજે સાદી આલુપૂરીની રૂ.10ની પ્લેટમાં ચાર અથવા પાંચ નંગ આલુપૂરી આપવામાં આવે છે. જ્યારે 20 રૂપિયાની આલુપૂરીની પ્લેટમાં 8 અથવા 10 નંગ આલુપૂરી આપવામાં આવે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આલુપૂરીની બે કે ત્રણ પ્લેટ આરોગી લેવાથી એક ટાઈમનું ભોજન કરી લેવા જેટલી સંતૃષ્ટિ મળે છે.

આલુપૂરીઓમાં જુદી જુદી વેરાઈટીઓ
સમગ્ર સુરતમાં પ્રચલિત બની ગયેલી આલુપૂરી હવે જુદી જુદી વેરાઈટીઓમાં પણ મળવા લાગી છે. આજે સાદી આલુપૂરી, ચીઝવાલી આલુપૂરી, સીઝવાન આલુપૂરી, કટલેસ આલુપૂરી, માયોનિઝ આલુપૂરી જેવી અનેક જુદી જુદી વેરાઈટીઓ સાથે સમગ્ર સુરતમાં વેચાઈ રહી છે. સાથે જુદા જુદા આલુપૂરીના વેપારીઓ પોતાના અંદાજથી પણ બનાવી રહ્યા છે. કેટલાક આલુપૂરીના વેચનારાઓ આલુપૂરી ઉપર જુદા જુદા પ્રકારની સેવ પાપડીનો ઉપયોગ કરે છે. પરંતુ સૌથી પહેલા બનેલી આલુપૂરીની ઓરિજનલ સ્ટાઇલ માત્ર આલુપૂરી પર પાપડી અને કાંદા સિવાય બીજું કાંઈ જ નાખવામાં આવતું નથી.

સુરતીઓ હોંશેહોંશે આરોગે છે આલુપૂરી.
સુરતીઓ હોંશેહોંશે આરોગે છે આલુપૂરી.

વેરાઈટી પ્રમાણે આલુપૂરીના ભાવ

  • સાદી આલુપૂરી :- 20 રૂ. પ્લેટ
  • ચીઝ આલુપૂરી :- 30 રૂ. પ્લેટ
  • સિઝવાન આલુપૂરી :- 25 રૂ. પ્લેટ
  • કટલેસ આલુપૂરી :- 25 રૂ. પ્લેટ
  • મેયોનિઝ આલુપૂરી :- 30 રૂ. પ્લેટ

શું છે આલુપૂરીની રેસિપી?
આલુપૂરીની રેસિપી પણ ખૂબ જ અદભુત છે. આલુપૂરીમાં મેંદાના લોટની નાની નાની પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીઓને તેલમાં ફ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ વટાણા અને બટાકાનું શાક બનાવવામાં આવે છે. જેને આલુપૂરીની ભાષામાં ચટપટી કહેવામાં આવે છે. કોકમની ચટણી, લીલી સુરતી મરચીની ચટણી બનાવવામાં આવે છે. અને આ બધાને ઉપર સ્વાદ અપાવનાર સમારેલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જુદા જુદા પ્રકારની સેવ અથવા તેલમાં તળેલી રોટલીની પાપડીનો ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે. આલુપૂરીની પ્લેટમાં સૌપ્રથમ તેલમાં ફ્રાય કરેલી મેંદાના લોટની પૂરીને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર વટાણા બટેકાની ચટપટી મૂકવામાં આવે છે. પછી તેની ઉપર કોકમની ચટણી મૂકવામાં આવે છે. ત્યારબાદ સુરતી બનાવેલી લીલી ચટણી સ્વાદ અનુસાર મૂકવામાં આવે છે. અને આ બધાની ઉપર સમારેલી ડુંગળી અને પાપડીનો ભૂકો ભભરાવી દેવામાં આવે છે. અને જો કોઈ ચીઝ આલુપૂરીની માગ કરતું હોય તો આ બધાની ઉપર ચીઝ પણ છીણીને મૂકવામાં આવે છે. આમ આખી તૈયાર થઈ જાય છે એક સ્વાદિષ્ટ આલુપૂરીની પ્લેટ.

ગ્રુપમાં આવી લોકો આલુપૂરીનો સ્વાદ માણે છે.
ગ્રુપમાં આવી લોકો આલુપૂરીનો સ્વાદ માણે છે.

આલુપૂરી બનાવવા કઈ રીતની લાગે છે મહેનત?
રાંદેર ટાઉનમાં આજે પણ વર્ષો જૂની આલુપૂરીની લારીઓ અને દુકાનો આવી છે. જેમાંથી સૌથી ફેમસ અને પ્રખ્યાત નાખુદા નાસ્તા સેન્ટરમાં આલુપૂરી ખૂબ જ વધુ પ્રચલિત જોવા મળી રહી છે. ત્યારે આ આલુપૂરી બનાવવા પાછળની મહેનત કઈ રીતની લાગે છે તે માટે આ નાસ્તા સેન્ટરના કારીગર રુકમાન મોદને જણાવ્યું હતું કે આલુપૂરીની સંપૂર્ણ ડિશ તૈયાર થાય તે પહેલાં તેમાં વપરાતું જે શાક છે તે માટે વટાણાને 12 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવા પડે છે. અને બટેકાને બાફીને તૈયાર રાખવા પડે છે. ત્યારબાદ તેની ચટપટી બનાવવા માટે તૈયાર કરાય છે. તેની સાથે મેંદાનો લોટ બાંધવામાં આવે છે.

મશીનથી મેંદાના લોટને વ્યવસ્થિત ગુંદાય છે
હવે તો મેંદાના લોટ બાંધવા માટે મશીનરી પણ આવી ગઈ છે. જેથી મશીનમાં તેને વ્યવસ્થિત ગુંદવામાં આવે છે. ત્યારબાદ મેંદાના ગુંદાયેલા લોટને લાંબી જગ્યાએ પાથરીને વાટકી વડે કે ગ્લાસ વડે નાની નાની પૂરીઓ કટિંગ કરવામાં આવે છે. અને આ પૂરીઓને તેલમાં ફ્રાય કરવામાં આવે છે. પૂરી અને ચટપટી તૈયાર થઈ ગયા બાદ કોકમને પલાળીને તેને ક્રશ કરીને તેની ચટણી બનાવવામાં આવે છે. આની સાથે સાથે સુરતી લીલી મરચી, મીઠું, આદું સાથે ક્રશ કરી તીખી ચટણી બનાવવામાં આવે છે. આ બધાને સાથે રાખી આલુપૂરીની પ્લેટ તૈયાર કરાય છે. અને તેની ઉપર ડુંગળી અને ક્રશ કરાયેલી પાપડીનો ભૂકો પાથરવામાં આવે છે. આ માટે સવારે ચાર વાગ્યાથી ઊઠીને મહેનત શરૂ કરી દેવી પડે છે. જ્યારે વટાણા પલાળવા તો આગલા દિવસની રાતથી જ મૂકી દેવા પડે છે.

મેંદાના લોટની પૂરી બનાવવામાં આવે છે.
મેંદાના લોટની પૂરી બનાવવામાં આવે છે.

ધ્રાંગધ્રાનો યુવક રાંદેરની આલુપૂરી ખાવા પહોંચ્યો. તેને પણ આ આલુપૂરી ખૂબ જ પસંદ છે. ત્યારે રાંદેર ખાતે આલુપૂરી ખાવા આવનાર દીપેન રાવલએ જણાવ્યું હતું કે હું જ્યારે પણ સુરત આવું છું ત્યારે રાંદેરમાં આલુપૂરી જરૂરથી ખાવા આવું છું. મેં પહેલાં ઘણું સાંભળ્યું હતું. સુરતની આલુપૂરીની વાનગી વિશે અને ત્યારબાદ ખબર પડી હતી કે આ આલુપૂરી રાંદેરથી પ્રખ્યાત થઈ છે. જેથી સુરત આવું ત્યારે રાંદેરની આલુપૂરી ખાવાનું પસંદ કરું છું. પહેલી વખત ખાધી ત્યારે ખૂબ જ સારી લાગી હતી અને હવે તે મારી પ્રિય પસંદગી બની ગઈ છે. આ આલુપૂરીની વાનગી ધ્રાંગધ્રામાં કે સમગ્ર સુરેન્દ્રનગરમાં મળતી નથી અને તેથી જ સુરત આવું એટલે આલુપૂરી જરૂરથી ખાવું છે અને તે પણ ચીઝ આલુપૂરી ખાવાની પસંદગી કરું છું.

સ્કૂલેથી છૂટીને બાળકો આલુપૂરી ખાવા પહોંચે છે
રાંદેર ટાઉનમાં આલુપૂરી ખાવા આવનાર દેવ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું સલાબતપુરા વિસ્તારમાં રહું છું. પરંતુ આલુપૂરી તો રાંદેરની જ ખાવાની પસંદ કરું છું. રાંદેરમાં લોકમાન્ય તિલક શાળામાં અભ્યાસ કરું છું. શાળા પૂરી થયા બાદ અમારું આખું ગ્રુપ રાંદેરની આલુપૂરી ખાવા આવ્યું છે. રાંદેરની નાખુદાની આલુપૂરી ખૂબ જ લોકપ્રિય છે. જેને લઇ દર વખતે હું અહીંથી જ આલુપૂરી ખાવું છું. સુરતીઓ ખાવા-પીવાના તો ખૂબ જ શોખીન હોય જ છે, જેને જે સ્વાદ પસંદ આવી જાય તે ત્યાંથી જ ખાવાનું પસંદ કરે છે અને એટલે જ હું પણ અહીંથી ખાવાનું પસંદ કરું છું. મારી સૌથી પ્રિય પસંદગીમાંની એક આલુપૂરીની વાનગી છે.

રાંદેરની આલુપૂરી ખૂબ જ ટેસ્ટફુલ હોય છે. જેથી અમે બીજે ક્યાંય ખાતા નથી.
રાંદેરની આલુપૂરી ખૂબ જ ટેસ્ટફુલ હોય છે. જેથી અમે બીજે ક્યાંય ખાતા નથી.

ગ્રુપમાં જુદી જુદી આલુપૂરી મંગાવીને ખાઈએ છીએ
આલુપૂરી ખાવા આવનાર ધ્રુવ પરમારે જણાવ્યું હતું કે અમે ગ્રુપમાં આલુપૂરી ખાવા આવીએ છીએ. અડાજણ ખાતે રહું છું, પણ આલુપૂરી ખાવા તો રાંદેર જ આવું છું. ગ્રુપમાં આવી જુદા જુદા વેરાઈટીની તમામ ડિશ મંગાવીએ છીએ. જેમાં સાદી આલુપૂરી ,ચીઝ આલુપૂરી, સિઝવાન આલુપૂરીની ડિશો મંગાવીએ છીએ. તમામ એકબીજામાંથી અલગ અલગ સ્વાદ લઈને ખાઈએ છીએ. અમે સાતથી આઠ જણાનું ગ્રુપ બનાવીને આવ્યા છીએ. અને દર વખતે આ જ પ્રકારે રાંદેરમાં આલુપૂરી ખાવા આવીએ છીએ. રાંદેરની આલુપૂરી ખૂબ જ ટેસ્ટફૂલ હોય છે. જેથી અમે બીજે ક્યાંય ખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...