ગુંડાગર્દીનો આક્ષેપ:સુરતમાં AAPના અધ્યક્ષના ઘરે ભાજપના કાર્યકરો જતાં હોબાળો, ઈટાલિયાએ કહ્યું, પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું

સુરતએક વર્ષ પહેલા
ગોપાલ ઈટાલિયાના ઘર નજીક હોબાળો મચી ગયો હતો.(ઈન્સેટમાં ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો હતો).
  • ઈટાલિયાના ધર્મવિરોધી નિવેદનથી ભાજપ સમર્થિત યુવકો દ્વારા તેના ઘરે જઈ શ્રીમદ્ ભગવદગીતા આપવાના પ્રયાસનું અનુમાન
  • ઇટાલીયાના હિન્દુ ધર્મ વિરોધી નિવેદનને લઇને વિરોધ ઉઠ્યો છે
  • ઇટાલીયાની માતા-બેન સાથે બબાલથી સોસાયટીએ યુવકોને ઘેર્યા

આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અગાઉ આપેલા ધર્મવિરોધી નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લેતો. ઈટાલિયાનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલિયાના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ પહોંચીને તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી, સાથે જ તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લીધા બાદ બન્ને પક્ષની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

શનિવારે બપોરે 7 જેટલા યુવકો મોટાવરાછાની તુલસી રેસીડેન્સી ખાતે પહોંચ્યા હતા.અને હનુમાન ચાલીસા ગાતા ગાતા રેસિડેન્સીની વચ્ચેના રાધા કૃષ્ણના મંદિર તરફ જવા પ્રયાસ કરવા લાગ્યા હતા.જ્યા રેસીડેન્સીના અમુક લોકોએ રોકવાનો પ્રયાસ કરતા જીભાજોડી કરી હતી જે પૈકી 2 યુવકો ઈટાલીયાના ઘર બહાર પહોંચી ગયા હતા અને ઇટાલીયાની માતાને ભગવત ગીતા આપી દીકરાને આપવા કહ્યું હતું.જોકે આસપાસના લોકો ભેગા થઇ જતા બંને યુવકો ભાગી છૂટ્યા હતા.લોકોએ અમિત આહીર અને વિકાસ આહીરને ઘેરો ઘાલી હોબાળો મચાવ્યો હતો અને હાથાપાઈ કરી હતી.

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેને અમરોલી પોલીસ મથક લઈ ગઈ હતી.યુવકોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી હતી.

આપના શહેર પ્રમુખ દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરાઈ
સમગ્ર ઘટના મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને અન્ય કાર્યકરોએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી અને આપના આગેવાનો અને કાર્યકરો પર થઇ રહેલા હુમલા બાબતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.

ગોપાલ ઈટાલિયાના ઘર નજીક જાહેર રસ્તા પર પણ હોબાળો મચી ગયો હતો.
ગોપાલ ઈટાલિયાના ઘર નજીક જાહેર રસ્તા પર પણ હોબાળો મચી ગયો હતો.

શ્રીમદ્ ભગવદગીતા આપવાના નામે દલીલો કરી
ભાજપ-સમર્થકો અમિત આહીર અને વિકાસ આહીર સહિતના યુવકો 'આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે તુલસી રેસિડેન્સીમાં પહોંચ્યા હતા. એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે તમને ભગવદગીતા જોઈએ છે. ત્યાર બાદ ચાર યુવક ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચતાં તેમને પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો. ત્યારે તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન કર્યું હતું. જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઇ જતાં ચાર પૈકી બે યુવક ભાગવામાં સફળ થયા હતા. અમિત આહીર અને વિકાસ આહીર ઝડપાયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી.

સી.આર.પાટીલની નજીક મનાતા અમિતનું નામ સામે આવ્યું છે.(ફાઈલ તસવીર).
સી.આર.પાટીલની નજીક મનાતા અમિતનું નામ સામે આવ્યું છે.(ફાઈલ તસવીર).

પોલીસે બન્નેને ઝડપી લીધા
ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા ગયેલા યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિકાસ આહીર અને અમિત આહીર ભાજપના નેતાઓના ખૂબ નજીકના હોવાનું માનવામાં આવે છે. તેમના ઈશારે જ તેમના ઘરે જઈને વિરોધ કર્યો હોવાની ચર્ચા શહેરમાં શરૂ થઈ છે. ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં ધાર્મિક પુસ્તક વેચવાના બહાને વિરોધ કર્યો હતો.

ભાજપના નેતાઓ સાથેની તસવીરો હોબાળા બાદ સામે આવી હતી.(ફાઈલ તસવીર).
ભાજપના નેતાઓ સાથેની તસવીરો હોબાળા બાદ સામે આવી હતી.(ફાઈલ તસવીર).

ભાજપ-સમર્થકોની ગુંડાગર્દી- આપ
આમઆદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે આવી રીતે ભાજપના સમર્થકો ગુંડાગર્દી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેમને તો કોઈ કાયદો નડતો નથી, માટે તેઓ બેફામ રીતે વિરોધ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં તેમની માતા સામે અશોભનીય ભાષામાં ખોટી દલીલો કરી હતી. વિકાસ આહીર અને અમિત આહીર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. શ્રીમદ્ ભગવદગીતાનો ઉપયોગ કરીને તેઓ ગોપાલ ઇટાલિયાના ઘર સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમની માતા સાથે ગોપાલ ઇટાલિયાને બહાર કાઢો એવી ધમકી આપી હતી.

મારા પર 'આપ'ના લોકોએ અચાનક જ હુમલો કર્યો-અમિત.
મારા પર 'આપ'ના લોકોએ અચાનક જ હુમલો કર્યો-અમિત.

અમે તો ગીતાજીના પ્રચાર માટે ગયેલા - અમિત
અમિત આહીરે જણાવ્યું હતું કે ત્યાં નજીકમાં આવેલા મંદિરમાં અમે પૂજા કર્યા બાદ કૃષ્ણ ભગવાને ગાયેલી ગીતાનું વિતરણ કરવા નીકળ્યા હતા. મને તો એ પણ ખબર નથી કે ગોપાલ ઈટાલિયા ક્યાં રહે છે. અચાનક જ આમઆદમીના લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 'આપ' દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં હું પોલીસમાં ફરિયાદ આપીશ.

ગોપાલ ઈટાલીએ કહ્યુ ંહતું કે, રાજનીતિમાં વિરોધ પક્ષનો હોય પરિવારના સભ્યોનો નહીં.
ગોપાલ ઈટાલીએ કહ્યુ ંહતું કે, રાજનીતિમાં વિરોધ પક્ષનો હોય પરિવારના સભ્યોનો નહીં.

પરિવારના સભ્યો પર હુમલા કરવા ખોટી વાત છે.
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના અસામાજિક તત્વો મારા ઘરે આવ્યાં, સોસાયટીના રહિશોને વોચમેનને ગાળો આપી. મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે, વિરોધ પક્ષનો હોય પરિવારનો નહી. મારી મમ્મી આપમાં નથી હું અધ્યક્ષ છું. ઘરના સભ્યોને ડરાવવા એ ખોટી વાત છે. પોલીસને જાણ કરી હતી તો આ લોકો અમારા વિરૂદ્ધ ફરિયાદ આપવાની વાત કરી રહ્યાં છે. મારૂં એટલું જ કહેવું છે કે રાજનીતિમાં વિરોધ કરો પરંતુ પરિવારના સભ્યો પર હુમલા કરવા ખોટી વાત છે.

અરવિંદ કેજરીવાલે ઘટનાને વખોડતા ટ્વિટ કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે ઘટનાને વખોડતા ટ્વિટ કર્યું હતું.

કેજરીવાલે ટ્વિટ કર્યુ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે સમગ્ર મુદ્દે ટ્વિટ કર્યું હતું. જેમાં કેજરીવાલે કહ્યું કે, આ તો કેવા પ્રકારની રાજનીતિ છે. જેમાં ઘરે જઈને હુમલા કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતીઓ શાંતિપ્રિય છે. તેમને આ પ્રકારની હિંસા ક્યારેય પસંદ નથી.

મહિલાઓને ધમકાવવું ખોટું કૃત્ય : કેજરીવાલ
આપના સુપ્રીમો કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે આ ગુજરાતમાં શું થઇ રહ્યું છે? પરિવારના લોકોને ખાસ કરીને મહિલાઓને આ રીતે ધમકાવવી ખોટું કૃત્ય છે. આ પ્રકારની ગંદી રાજનીતિ ગુજરાતના લોકોને બિલકુલ પસંદ નથી.

અમે ધર્મ પ્રચાર માટે ગયા અને માર મરાયો
ઇટાલીયાની રેસિડેન્સીમાં પહોંચેલા હિન્દૂ યુવા વાહિનીના અમિત આહીરે ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ભગવદ ગીતાના વિતરણ માટે પહોંચ્યા હતા. અમે સાત લોકોને ઘેરી તમે કોને પૂછીને અહીં આવ્યા છો એમ કહી માર મરાયો હતો.

આપે આરોપીઓના પાટીલ સાથેના ફોટો શેર કર્યા
ગોપાલ ઈટાલીયાની રેસીડેન્સીમાં મચેલા હોબાળા બાદ આપ દ્વારા હિન્દુ યુવા વાહિનીના અમિત આહીર અને વિકાસ આહિરના ભાજપ પ્રદેશ પ્રમુખ સાથેના ફોટો શેર કર્યા હતા અને સીઆર પાટીલ દ્વારા જ કાર્યકરોને મોકલવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ આપના કાર્યકરો મોટી સંખ્યામાં અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.