એસિડ એટેક:આડાસંબંધ નહીં હોવાનો વિશ્વાસ અપાવવા ગોડાદરાની પ્રેમિકાએ પતિની સામે કોલેજિયન પ્રેમી પર એસિડ ફેંક્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગોડાદરામાં કાપડની દુકાનમાં બપોરે દુકાનદારની પત્નીએ પતિની આંખ સામે પ્રેમી પર એસિડ ફેંક્યો હતો. જેમાં પતિ પણ દાઝ્યો હતો. પતિ અને પ્રેમી બંનેને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગોડાદરામાં નારાયણ નગર સામે સાંઈકૃપા સોસાયટીમાં રહેતો પ્રિન્સ રાજુભાઈ શાહુ(20)ઉધના સિટિઝન કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે. દોઢ વર્ષ પહેલા ભાવેશ રમેશ મેવાળા(રહે. કેશવ પાર્ક સોસાયટી,ગોડાદરા) સાથે મિત્રતા થઈ હતી. ભાવેશ ગોડાદરામાં રાજ એમ્પાયરમાં કાપડની દુકાન ધરાવે છે. પ્રિન્સ ભાવેશના ઘરે અને દુકાને અવાર-નવાર જતો હતો. તેથી પ્રિન્સની આંખ ભાવેશની પત્ની પુજા સાથે મળી હતી. પુજા અને પ્રિન્સ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ ભાવેશની થઈ હતી. જોકે ભાવેશે પ્રિન્સને આ બાબતે વાત કરી ન હતી.

પરંતુ ભાવેશ અને પુજા વચ્ચે આ બાબતે ઝઘડા થતા હતા. સોમવારે બપોરે પ્રિન્સ ભાવેશની દુકાનમાં બેસેલો હતો. ભાવેશ અને પુજા બંને બપોરે દુકાનમાં આવ્યા હતા. ત્યારે પુજાએ અચાનક પ્રિન્સ પર એસિડ એટેક કર્યો હતો. તેથી પ્રિન્સ ગંભીર રીતે દાઝી ગયો હતો. એસિડના છાંટા ભાવેશ પર પણ ઉડતા બંનેને રાજ એમ્પાયરમાં આવેલી વિહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોડાદરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી.

પ્રિન્સે ફરિયાદ આપતા પુજા અને ભાવેશ વિરુદ્ધ એસિડ એટેકની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા પતિને ‌વિશ્વાસ થાય કે તેનો પ્રિન્સ સાથે કોઈ સંબંધ નથી એટલે પત્નીએ એસિડ ફેંક્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...