તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપોઝ:સુરતમાં 3000 આપીને આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ, બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધાર બનાવી આપ્યાં

સુરત16 દિવસ પહેલા
પ. બંગાળથી આવેલી મુસ્લિમ મહિલાનું આધારકાર્ડ હિન્દુ નામે બનાવી આપ્યું. લેટરહેડનો ઉપયોગ આ રીતે કરાય છે.
  • આધારકાર્ડ કર્મચારી સાથેની વાતચીતના અંશઃ સત્તાવાર આધાર કેન્દ્ર પર પૈસા લઈને ગેરકાયદે ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યું છે
  • ભાસ્કરનો મોટો ઘટસ્ફોટઃ સાંસદ-ધારાસભ્ય કે કાઉન્સિલરના લેટરહેડનો દુરુપયોગ કરી આધારકાર્ડમાં ચેડાં
  • મુસ્લિમ મહિલાનું નામ બદલીને તેના હિન્દુ યુવક સાથે લગ્ન કરાવી દીધા

ઓળખ છુપાવીને કે જબરદસ્તીથી ધર્માંતરણ વિરુદ્ધ ભલે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો હોય, પરંતુ કેન્દ્ર સરકારના યુનિક આઈડી આધાર પોર્ટલમાં ઘૂસણખોરી કરીને ધર્મપરિવર્તનનો ખેલ ચાલી રહ્યો છે. આવા કિસ્સા સુરતમાં સામે આવ્યા છે, જેમાં કોઈ જ કાયદાકીય દસ્તાવેજો વિના આધારકાર્ડમાં ફેરફાર કરીને નામ બદલી નાખવામાં આવે છે. આ કામ માટે દલાલોએ રીતસરનું રેટ લિસ્ટ પણ બનાવી રાખ્યું છે. પૈસા આપો અને જાતિ કે ધર્મ બધું જ બદલાવી દો.

એટલું જ નહીં, એક કિસ્સો એવો પણ છે, જેમાં એક યુવતીએ આધારકાર્ડમાં ધર્મપરિવર્તન કરાવીને બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરી લીધા. આધારકાર્ડ થકી ધર્મપરિવર્તનની માહિતી મળતાં જ ભાસ્કરે તપાસ કરી. એમાં ઘટસ્ફોટ થયો કે કાગળ ધર્મપરિવર્તનનો આ ખેલ કેન્દ્ર સરકારના જ સત્તાવાર આધાર કેન્દ્ર પર ચાલી રહ્યો છે. ત્યાં સાંસદ, ધારાસભ્ય કે કાઉન્સિલરના લેટરહેડ પર એક અરજી લખીને આધારકાર્ડમાં ફેરફાર કરી અપાય છે. આ કેન્દ્રમાં કોઈપણ હિન્દુને મુસ્લિમ અને મુસ્લિમને હિન્દુ બનાવી દેવાય છે.

આ આધારકાર્ડ ગેંગ વિદેશી નાગરિકોને પણ આધારકાર્ડ બનાવી આપે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો અને પશ્ચિમ બંગાળથી આવતા લઘુમતી સમાજના યુવાનો પણ હિન્દુ નામથી આધારકાર્ડ બનાવી દે છે. આ અહેવાલ માટે ભાસ્કર રિપોર્ટરે આધારકાર્ડ સંચાલક સાથે ફોન પર વાત કરીને આધારકાર્ડમાં ફેરફાર કરવાનો સોદો કર્યો હતો.

ભાસ્કર રિપોર્ટરે ફોન પર સોદો નક્કી કર્યા પછી આધારકાર્ડ કેન્દ્રના સંચાલકને એક મુસ્લિમ યુવકના આધારકાર્ડની નકલ મોકલીને એ કાર્ડ હિન્દુ નામે બનાવી આપવાનું કહ્યું. કેન્દ્ર સંચાલકે રૂ. 3000માં જ એજાજનું આધારકાર્ડ અજય નામે બનાવી આપવાની તૈયારી બતાવી. ભાસ્કર પાસે કૉલ-રેકોર્ડિંગ સહિતના તમામ પુરાવા છે.

રિપોર્ટર: મારે કેટલાંક આધારકાર્ડ બનાવવાનાં છે. કેટલાંકમાં નામ પણ બદલવાનાં છે.
કર્મચારી: થઈ જશે.
રિપોર્ટર: આ માટે શું ચાર્જ છે તમારો?
કર્મચારી: તમારી પાસે શું પુરાવા છે? કોનું નામ બદલવાનું છે? તમારું છે કે બીજાનું?
રિપોર્ટર: મારા જ એક રિલેટિવનું છે, તે પણ ગામડેથી આવ્યા છે.
કર્મચારી: પણ તમને મારો નંબર કોણે આપ્યો?
રિપોર્ટર: મારા દોસ્તે આપ્યો છે, જો તમે કરી શકો તો ઠીક છે, નહીં તો વાંધો નહીં.
કર્મચારી: થઈ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. નામ બદલવા માટે ફોટો આઈડી જોઈશે.
રિપોર્ટર: કોઈ દસ્તાવેજ નથી. ફક્ત ઘરનો ભાડા કરાર મળી જશે. તેનું આધારકાર્ડ મળી જશે.
કર્મચારી: ઠીક છે, થઈ જશે. રૂ. 350 ચાર્જ થશે.
રિપોર્ટર: હિન્દુમાંથી મુસ્લિમ માટે પણ આટલો જ ચાર્જ છે કે અલગ?
કર્મચારી: એનો ચાર્જ અલગ છે, જેમ કે નેપાળી લોકો છે, બંગાળથી છે તો તેનો રૂ. 3000 સુધી ચાર્જ થાય છે.
રિપોર્ટર: મારો એક દોસ્ત છે. તેનું નામ એજાજ છે. હિન્દુ નામે તેનું આધારકાર્ડ બનાવવાનું છે.
કર્મચારી: હા, થઈ જશે. પણ તેના માટે ક્લાસ-1 ઓફિસરનો લેટરહેડ જોઈશે.
રિપોર્ટર: તો તેને શું કરવું પડશે. કોણ હોય છે ક્લાસ-1 ઓફિસર?
કર્મચારી: એ તો મેયર કે પોલીસ અધિકારી કે બીજા કોઈ સરકારી વિભાગના કર્મચારી હોય છે, પરંતુ તમારે ચિંતા નથી કરવાની. એ બધું પણ હું કરાવી દઈશ.
રિપોર્ટર: ઠીક છે. હું તમને એનું આધારકાર્ડ આપી દઈશ. તમે જોઈ લેજો, પૈસા મળી જશે તમને.

  • આ વાતચીત પછી આધાર કેન્દ્રના કર્મચારીએ નમૂના તરીકે દિલ્હી, સુરતના કેટલાક સરકારી અધિકારી અને કોર્પોરેટરના સ્ટેમ્પ સાથેના સાઈન કરેલા લેટર મોકલ્યાં અને કહ્યું કે આવો લેટર બનાવવો પડે છે.

કાયદાકીય દસ્તાવેજોની પણ જરૂર નહીં
આધારકાર્ડમાં સુધારાનો રેટ ફિક્સ છે. નામ કે અન્ય કોઈ ફેરફાર માટે 350થી 500 રૂપિયા લે છે. જો હિન્દુથી મુસ્લિમ કે મુસ્લિમથી હિન્દુ નામ કરાવવું હોય તો 3000 રૂપિયા આપવા પડશે. ફક્ત આધારકાર્ડની ફોટો કોપી કે સોફ્ટકોપી લઈને કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે ગેઝેટ નામ નોટિફિકેશન વિના બીજા ધર્મના નામે આધાર બનાવી આપે છે.

બીજા કૉલમાં કાયદાનો ડર બતાવ્યો રિપોર્ટર: ભાઈ એજાજના આધારના પૈસા ક્યારે આપું તમને? કર્મચારી: હાલ થોડા રોકાઈ જાઓ, કેમ કે એમાં થોડીક તકલીફ પડી રહી છે. હાલ કાયદો કડક છે, એટલે થોડાક અટકી જાઓ. રિપોર્ટર: પણ મેં તેની પાસેથી પૈસા લઈ લીધા છે, હવે શું કરું? કર્મચારી: શું તમે તેને જાણો છો? તમારો ઓળખીતો હોય તો કરી આપીશું. રિપોર્ટર: હા, જાણું છું, એટલા માટે કહી રહ્યો છું. કર્મચારી: ઠીક છે કરી આપીશું, પણ કોઈ રિસ્ક ન હોવું જોઇએ અને પૈસા મને ગમે એ રીતે આપી દેજો.

ગેઝેટ નોટિફિકેશન વગર ધર્મપરિવર્તન કાયદેસર ન હોય

  • ગેઝેટ નોટિફિકેશન વગર કોઈપણ ધર્મ-પરિવર્તન ન થઇ શકે અને જે એવું કરે છે એ ગુનો છે. અમારી જાણકારીમાં એવું નથી. - પ્રદીપ પટનાયક, યુનિક આઈડેન્ટિફિકેશન ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા
  • કોઈપણ વ્યક્તિનું ધર્મપરિવર્તન આધારકાર્ડ પર કરવું હોય તો એના માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. જો કોઈ એવો મામલો તમારી પાસે હોય તો તમે અમને જણાવો, અમે એના પર કાર્યવાહી કરીશું. હાલ હાઈકોર્ટે અમુક કારણોથી ધર્મપરિવર્તન માટે કલેક્ટર તરફથી લેવાતી તમામ મંજૂરી અટકાવી રાખી છે. - આયુષ ઓક, કલેક્ટર, સુરત.
અન્ય સમાચારો પણ છે...