‘આ હીરા રશિયાના રફમાંથી નથી બન્યા,’ એવું લખાણ અમેરિકાના બાયર્સ શહેરના હીરા વેપારીઓ પાસે બિલમાં લેખિતમાં માગી રહ્યા હોવાથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. યુક્રેન અને રશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકાએ રશિયાના રફ પર બેન મૂક્યો છે.
ભારતમાં આયાત થતા કુલ રફમાંથી 30% રફ રશિયાથી આવે છે. અમેરિકાએ આ રફ પર બેન મૂકતાં ભારત અને ખાસ કરીને સુરતમાં રફની શોર્ટ સપ્લાય શરૂ થયો છે. છેલ્લાં 2 વીકથી હીરાનાં કારખાનાંમાં વીકમાં 2 દિવસની રજા શરૂ થઈ છે. રફના શોર્ટ સપ્લાયને કારણે તૈયાર હીરાની માગમાં ધીમે ધીમે વધારો થયો હતો. ત્યાં ફરી અમેરિકાના બાયર્સ નવો ફતવો લાવ્યા છે. આ હીરા અને જ્વેલરી રશિયાના રફમાંથી તૈયાર કરાતા નથી એવું બિલમાં લખાણ અમેરિકાના બાયર્સ ભારતના ઉદ્યોગકારો પાસે માગી રહ્યાં છે, જેથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. લખાણ આપવું કે નહીં એ અંગે મૂંઝવણ છે.
અમેરિકાના તૈયાર હીરાના બાયર્સે રશિયાના રફમાંથી તૈયાર કરાયેલા હીરા અથવા તો રશિયાના રફમાંથી તૈયાર કરાયેલી જ્વેલરીની ખરીદી કરવાનો ઈનકાર કર્યો છે. વેપારીઓએ ‘જે હીરાનો ઉપયોગ થયો છે એ રશિયાના રફના નથી’ એવું બિલમાં લખી માલ આપ્યા બાદ જો પાછળથી ખબર પડશે કે રશિયાની રફમાંથી આ હીરા તૈયાર કરાયા હતા તો તેવા વેપારીઓને અમેરિકન બાયર્સ બેન કરી દેશે.
USના બાયર્સે આ મુદ્દે મેલથી હીરા વેપારીઓને જાણ કરી છે: GJEPC
‘અમેરિકન બાયર્સે રશિયાના રફમાંથી તૈયાર થયેલા હીરા સંપૂર્ણપણે બેન કરી દીધા છે. રશિયાના રફમાંથી હીરા બનાવાયા નથી એવું લખાણ બિલમાં પણ માગી રહ્યા છે. અમેરિકાના બાયર્સે ભારતના હીરા વેપારીઓને આ બાબતે મેલથી પણ જાણ કરી છે.’ - દિનેશ નાવડિયા, ચેરમેન, GJEPC
રફની શોર્ટેજથી માગ વધી ત્યાં નવા ફતવાથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા
રશિયાની રફના હીરા નથી એવું બિલમાં લખીને બાયર્સો માગી રહ્યા છે. બીજી તરફ રફની શોર્ટેજને કારણે હીરાની માગ વધી છે, ત્યાં ફરી વખત અમેરિકન બાયર્સ લેખિતમાં આ માગણી કરતાં હીરા વેપારીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે.’ - નિલેશ બોડકી, હીરાના વેપારી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.