અાસામ સરકારે મેખલા સાડી પર પ્રતિબંધ મુક્યો છે, તે પ્રતિબંધ રાખે પરંતુ તેના માટે એક વર્ષનો સમય આપવા ફોસ્ટા અને ફોગવાના વેપારીઓએ માગણી કરી છે. શનિવારે ફોસ્ટા-ફોગવાની મિટિંગમાં આ બાબતે નિર્ણય લઈને હવે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરાશે.
અસમ સરકારે મેખલા સાડી પર પ્રતિબંધ મૂકતા વિવાદ વકરી રહ્યો છે. સુરતના વીવર્સ આ સાડી બનાવે છે. અસમમાં આ સાડી હેન્ડલૂમથી તૈયાર કરાતા કિંમત 3 હજારથી લઈને 10 હજાર સુધીની હોય છે. સુરતના વીવર્સ પોલિએસ્ટર કાપડનો ઉપયોગ કરીને 300થી 700 રૂપિયામાં આ સાડી તૈયાર કરતાં હતાં.
આમ સુરતની સાડી સસ્તી હોવાથી અસમની સાડીના વેચાણ પર અસર પડી રહી હતી. હેન્ડલૂમને બચાવવા અસમ સરકારે સુરતની સાડી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતે નિર્ણય લેવા શનિવારે ફોસ્ટા અને ફોગવાએ મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં વીવર્સ અને વેપારીઓએ એક સૂરે કહ્યું હતું કે, ‘મેખલા સાડી પર પ્રતિબંધ મુકવામાં આવે તો વાંધો નથી.
પરંતુ 1 વર્ષનો સમય આપવો જરૂરી છે. કારણ કે, 150 કરોડની સાડી, મટીરીયલ્સ અને યાર્ન મળીને 400 કરોડ રૂપિયાનો માલ વેપારીઓનો અટવાયો છે. હવે આગામી દિવસોમાં ફોસ્ટા અને ફોગવા કોમર્સ મંત્રી પિયુષ ગોયલને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે.
સુરતની સાડી આસામ કરતા 90% સસ્તી હોવાથી મુશ્કેલી
ફોગવાના પ્રમુક અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘સુરતની સાડી આસામ કરતા 90% જેટલી સસ્તી હોવાથી અસમ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ મુકે તો વાંધો જ નથી પરંતુ એક વર્ષનો સમય આપે તેવી અમારી માંગ છે. આ બાબતે અમે કોમર્સ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરીશું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.