સુરતના ડિંડોલી વિસ્તારમાં લિફ્ટમાં ઘૂસી સગીરાની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 12 વર્ષની કિશોરી લિફ્ટમાં ઘરેથી નીકળી લિફ્ટમાં જતી હતી. દરમિયાન એક કિશોર લિફ્ટમાં આવ્યો હતો અને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાથમાં ભીડી લીધી હતી. દરમિયાન કિશોરીએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતાં લિફ્ટનો દરવાજો ખૂલતાં કિશોર બહાર નીકળી જતો રહ્યો હતો.
કિશોરીને લિફ્ટમાં પકડી તેની સાથે અડપલાં કર્યાં
ડિંડોલી વિસ્તારમાં રહેતી કિશોરી માતાજીના મંદિરે પૂજા કરવા માટે આવી હતી. એ વખતે આ ઘટના બની હતી. કિશોરી લિફ્ટમાંથી નીચે ઊતરતી હતી એ વખતે 16 વર્ષના વિદ્યાર્થીએ તેને લિફ્ટમાં પકડી તેની સાથે અડપલાં કર્યા હતા, જેને કારણે કિશોરી રડતી રડતી પિતા પાસે પહોંચી હતી. પછી પરિવારજનોએ લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. કેમેરાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ છેડતી કરનાર વિદ્યાર્થીને શોધી કાઢી કાર્યવાહી કરી હતી.
કિશોરીએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતાં લિફ્ટ રોકાઈ ગઈ
સીસીટીવી પ્રમાણે, લિફ્ટમાં કિશોરીને જતા જોઈ છોકરો લિફ્ટમાં ઘૂસી ગયો હતો. થોડીવાર બાદ લિફ્ટ શરૂ થતાં અડપલાં કરવાનું શરૂ કરી સગીરા બાથમાં ભીડી લીધી હતી. લિફ્ટ ખૂલતાં જ ફરીથી ઉપર જવા માટે બટન દબાવી દીધું હતું. કિશોરીએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતાં લિફ્ટ રોકાઈ ગઈ હતી. ત્યાર બાદ છોકરો લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ કિશોરીએ તેના પિતાને કરી હતી. ત્યાર બાદ આ મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે ડિંડોલી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.