નરાધમને આકરી સજા:સુરતમાં સચિન GIDC બાળકી અપહરણ-રેપ કેસમાં હવસખોરને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સીસીટીવી આધારે આરોપી સુધી પહોંચી હતી. - Divya Bhaskar
પોલીસ સીસીટીવી આધારે આરોપી સુધી પહોંચી હતી.
  • ઘટનાના 4 દિવસ પછી નરાધમ મુકેશ આગ્રાના મુસાફર ખાનામાંથી ઝડપાયો

સુરતમાં સચીન જીઆઇડીસીમાં 9 ડિસેમ્બર 2020ના રોજ મધરાત્રે સૂતેલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજે સેશન્સ કોર્ટે સજા ફટકારી છે. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા કરવામાં આવી છે. આ સાથે પીડિતાને 7 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

ઘટના શું હતી?
સચીન જીઆઈડીસી લક્ષ્મીવીલા ઈન્ડસ્ટ્રીયલના પ્લોટમાં કડિયાકામ કરતા મધ્યપ્રદેશના પરિવારની 5 વર્ષની બાળકી મધરાત્રે સૂતેલી હતી ત્યારે એક નરાધમ તેને ઊંચકીને દોઢ કિમી દૂર ખંડેર એપાર્ટમેન્ટ પાસે લઈ જઈ બાળકી પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ લોહી નીકળતી હાલતમાં ત્યાં જ તરછોડી ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં સચીન જીઆઇડીસી પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

આરોપી આગ્રાથી ઝડપાયો હતો
આ કેસમાં 4 દિવસ પછી સચીન જીઆઇડીસી પોલીસે આગ્રા રેલવે પોલીસની મદદ લઈ આગ્રા પહોંચી હતી. રેલવે સ્ટેશન પાસે મુસાફર ખાનામાંથી નરાધમ મુકેશ બુધઈ સાહ (રહે, શિવાજંલિ, તલંગપુર, સચીન, મૂળ બિહાર)ને પકડી પાડ્યો હતો.

સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ સર્વેલન્સની આધારે શોધખોળ કરી હતી
બાળકીનું અપહરણ કરી ઝાડીમાં લઈ જઈ રેપ કરી ત્યાંથી રૂમ પર ચાલી ગયો હતો. પછી બીજા દિવસે પોલીસનું દબાણ વધતા બે દિવસ ચાલીમાં રહી 12 ડિસેમ્બરે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બિહાર જવા માટે રવાના થયો હતો. સચીન જીઆઇડીસી અને ક્રાઇમબ્રાંચે આરોપીને શોધવા માટે મોબાઇલ સર્વલન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ સર્વેલન્સની આધારે શોધખોળ કરી હતી.

આરોપીના બે ભાઈનોને પોલીસે શોધી કાઢ્યા પછી આરોપી સુધી પહોંચી
પોલીસને એક ફુટેજમાં આરોપી લાંબાવાળવાળા વ્યક્તિ સાથે વાત કરતો હતો. જેથી સચીન જીઆઇડીસી પોલીસે સૌ પ્રથમ લાંબાવાળવાળાને શોધી કાઢ્યો પછી તેના સંપર્કથી આરોપીના બે ભાઈનોને પોલીસે શોધી કાઢ્યા પછી બન્નેની પૂછપરછ કરી આરોપીના મોબાઇલ નંબર મેળવી તેના સુધી પહોંચી ગઈ હતી. વધુમાં આરોપીએ તેના એક ભાઈએ પણ બાળકી પર રેપ કર્યો હોવાની વાત કરી હતી. હાલમાં આરોપીની સચીન જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી 5 રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો.

પીડિતાને 7 લાખનું વળતર ચૂકવવા આદેશ
સચીન જીઆઇડીસી અપહરણ-રેપ કેસમાં સેશન્સ કોર્ટમાં આરોપીને દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ મુકેશ સાહને જીવના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી હતી. આ સાથે પીડિતાને 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.