સુરતના ડાયમંડ ઉધોગનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ડાયમંડ બૂર્સ અંતે પૂર્ણ થયો છે. આજે ડાયમંડ બૂર્સ ખાતે ગણેશ સ્થાપના બાદ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. 10 હજાર દીવડાંથી હજારો દીવાઓથી ડાયમંડ બૂર્સ ઝળહળી ઉઠ્યું હતું. દિવાળી જેવા માહોલ ડાયમંડ બૂર્સ ખાતે જોવા મળ્યો હતો.
ડાયમંડ બૂર્સમાં ઓફિસ ધરાવનારને આમંત્રણ
4200 ઓફિસના માલિકો અને તેમના પરિવારજનો મળી કુલ 10 હજાર કરતાં વધારે લોકો હાજર રહ્યા હતા. તમામ લોકોએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કર્યા બાદ મહાઆરતીમાં ભાગ લીધો હતો. પરિવારના લોકોએ ડાયમંડ બૂર્સને જોયો ન હતો, તે જોઈને આનંદિત થયા હતા. તમામ વેપારીઓએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી હતી કે, સમગ્ર વિશ્વ માટે હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ડાયમંડ્સ બને તેવી સફળતા આપજો.
ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ પણ હાજર રહ્યા
ડાયમંડ બર્સના ડિરેક્ટર મથુર સવાણીએ જણાવ્યું કે, આજે ઘણા વર્ષોથી જે ક્ષણની રાહ જોવાતી હતી તે પૂર્ણ થઈ છે. ભગવાન વિઘ્નહર્તાની પૂજા કરીને મહાઆરતીનું ભવ્ય આયોજન કરી ડાયમંડ બૂર્સની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં જેટલા પણ ઓફિસના માલિકો છે. તેઓ અને તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ તો માત્ર ડાયમંડ બૂર્સ છે, પરંતુ આગામી દિવસોમાં 562 હેક્ટરમાં ડ્રીમ સિટીનો ખૂબ મોટા પ્રમાણમાં તેની અંદર વિકાસ થવાનો છે. રાજ્ય સરકારે જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેમાં સરથાણાથી સીધા ડાયમંડ બૂર્સ સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ડાયમંડ બૂર્સ પાસે જે મેટ્રો ટ્રેનનું સ્ટેશન આવશે, તેને ડાયમંડ સ્ટેશન નામ આપવામાં આવશે.
ડાયમંડ બૂર્સને કારણે હીરા ઉદ્યોગને ખૂબ મોટો લાભ થશે
હિતેશ પટેલ ધર્મનંદન ડાયમંડના માલિકે જણાવ્યું કે, આ ડાયમંડ બૂર્સને કારણે હીરા ઉદ્યોગને ખૂબ મોટો લાભ થવાનો છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય દેશોના તમામ ભાઈઓ માટે આ સૌથી મહત્વનું કેન્દ્ર બની રહે છે. તમામ રફ અને પોલીસ ડાયમંડ ટ્રેડિંગ અહીંથી શરૂ રહેશે.
બનનારા મેટ્રો સ્ટેશનને ડાયમંડ સ્ટેશન નામ અપાશે
ડાયમંડ બૂર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું કે, અહીં રોજના હજારો લાખો લોકો વેપાર માટે આવશે. અહીં જે મેટ્રો સ્ટેશન બનવાનું છે. તેને ડાયમંડ સ્ટેશન તરીકે નામ આપવામાં આવશે. લાખોની સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકોને રોજગારી મળવાની છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વના ફલક ઉપર નવા શિખરો સર કરવા જઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.