નિર્ણય:ચોકમાં SBI પાસે ભૂગર્ભ મેટ્રો સ્ટેશન બાંધવા ગાંધી પ્રતિમાને શિફ્ટ કરાશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા પાયે ખોદકામ હોવાથી પ્રતિમાને થોડા સમય માટે ખસેડાશે
  • ઇતિહાસકારો​​​​​​​, સંસ્થાઓના મત જાણ્યા પછી પ્રક્રિયા શરૂ કરાશે

ચોકબજાર ગાંધી બાગના રંગઉપવન તરફના છેડેથી મેટ્રો ટ્રેન ભૂગર્ભ રેમ્પથી પ્રસ્થાન કરશે. આ સ્થળે આગામી દિવસોમાં મોટા પાયે ખોદકામ થવાનું હોવાથી ગાંધીજીની પ્રતિમાને થોડા સમય માટે શિફ્ટ કરાશે. આ અંગે પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, GMRCએ ગાંધી પ્રતિમાને હટાવવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે તે સ્મારકના સ્થળાંતર માટે નવું લોકેશન શોધવા કવાયત કરાઇ હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હાલમાં નજીકના લાલા લજપતરાય બાગમાં જ શિફ્ટ કરવાનું આયોજન છે.

આ માટે લાલા લજપતરાય બાગને બે ભાગમાં વહેંચી દેવા દીવાલ પણ ઊભી કરાઇ છે. જો કે, આ પ્રતિમાના સ્થળાંતરથી ખોટો વિવાદ ન થાય તે માટે ઇતિહાસકારો, સંસ્થાઓ તેમજ પ્રતિનિધિઓને સાથે રાખીને શહેરના વિકાસને ધ્યાનમાં લઈ તેમના મત જાણ્યા પછી જ આ પ્રક્રિયા શરૂ કરાશે એવું તેમણે ઉમેર્યું હતું.

અગાઉ શિવાજીની પ્રતિમા મુદ્દે કમિટી બનાવાઈ હતી
સહારા દરવાજા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પણ રસ્તો પહોળો કરવા માટે શિફ્ટિંગ કરાઇ હતી. જોકે તે પહેલાં શહેરના પ્રતિશ્ઠિત નાગરીકો સમાજના આગેવાનોની એક કમિટી બનાવી તેમને વિશ્વાસમાં લેવાના પ્રયાસ કરાયાં હતાં. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી છેવટે આ માર્ગને અડીને જ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ કર્યાં પછી તેમની પ્રતિમાનું સ્થળાંતર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...