તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગેડુ નિરવ મોદી મામલો:સુરતમાં 50 કરોડની 9 મિલકત જપ્ત કરવા આદેશ, 11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત કર્યા - Divya Bhaskar
11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત કર્યા
  • 2018માં સચીનના સેઝમાં 5 કરોડના હીરા 93 કરોડના બતાવી નિકાસ કર્યા હતા
  • કોર્ટ કેસ થયા બાદ 3 વાર સમન્સ પણ ઈશ્યુ થયા હતા

સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(સેઝ)માંથી રીયલ ડાયમંડની જગ્યાએ સિન્થેટિક ડાયમંડ એક્સપોર્ટ કરવાના સ્કેન્ડલમાં સંડોવાયેલાં આરોપી અને પીએનબીના રૂ.1400 કરોડના કૌભાંડ બાદ વિદેશ ફરાર થયેલા આરોપી નિરવ મોદીની સુરતમાં આવેલી 9 સ્થાવર-જંગમ મિલકત કે જેની બજાર કિંમત 50 કરોડ છે તે મિલકતો જપ્ત કરવા ચીફ કોર્ટે આદેશ કર્યો છે.

આ સાથે જ આરોપીને સુરત લાવવા પ્રત્યાપર્ણ સંબંધિત પ્રક્રિયામાં સુરત કસ્ટમ પણ જોડાયું છે. જેથી નિરવ મોદી જ્યારે ભારત આવે ત્યારે તેની સામે સુરતમાં કેસ ચલાવી શકાય. નોંધનીય છે કે, કૌભાંડ સામે આવ્યા બાદ પણ ડીઆરઆઇ કે કસ્ટમે ગુનો દાખલ કર્યો ન હતો. ‘દિવ્યભાસ્કર’નાં અહેવાલો બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. સચીનના સેઝમાં આવેલી એમ.એસ. ફાયરસ્ટાર ડાયમંડ, ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ અને રાધાશ્રી જ્વેલરી પર ઇડીએ માર્ચ, 2018માં દરોડા પાડયા હતા. જેમાં વિવિધ પેઢીઓ મારફત રૂ. 5 કરોડના ડાયમંડ રૂ. 93 કરોડના બતાવી એક્સપોર્ટ કરાયાનો ખુલાસો થયો હતો.

ત્યારબાદ આરોપી નિરવ મોદી સામે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો અને નિરવ મોદી સામેની કાનૂની પ્રોસેસ શરૂ કરાઈ હતી. જેમાં 3 વાર સમન્સ ઇશ્યુ કરાયા છતાં આરોપી હાજર નહીં રહેતા તેને ભાગેડું જાહેર કરાયો હતો અને મિલકત જપ્તીની પ્રોસસ શરૂ કરાઈ હતી. આ દરમિયાન કસ્ટમે કોર્ટમાં અરજી કરી સુરત સેઝ અને સચીન ખાતે આવેલી 9 મિલકતો જપ્તી માટેની પ્રોસેસ કરી હતી.

શું-શું સીઝ કરવાના આદેશ

  • 4.93 કરોડના ડાયમંડ: વર્ષ 2014માં જપ્ત ડાયમંડ જ્વેલરીનું વેલ્યુએશન રૂ. 4.93 કરોડ આવ્યું હતું. હાલ આ ડાયમંડ મુંબઇના કસ્ટમ ગોડાઉનમાં છે.
  • 6.44 કરોડના ડાયમંડ-કિંમતી પથ્થર: વર્ષ 2014ના પંચનામાની વિગત મુજબ રૂ. 6.44 કરોડના ડાયમંડ અને કિંમતી પથ્થર જપ્ત કરવામાં આવ્યા હતા. જે હાલ સેઝ સુરતના સ્ટ્રોંગ રૂમમાં છે.
  • બેગમપુરામાં ચાર મિલકતો: બેગમપુરા ખાતે આવેલાં બેલ્જિયમ સ્કવેરની 4 ઓફિસનો સમાવેશ થાય છે.
  • 6 હજાર સ્કવેર મીટર જગ્યા : સચીન સેઝમાં ફાયર સ્ટાર ડાયમંડની 6 હજાર સ્કવેર મીટર જગ્યા કે જેમાં કેટલાંક ભાગમાં બાંધકામ પણ છે. ત્રણ જુદા-જુદા પ્લોટ છે, એક 3 હજાર, બીજો 2 હજાર અને ત્રીજો 1 હજાર સ્કવેર મીટર છે.

મિલકતોની હરાજી કરાશે
આ કેસ સંદર્ભે સરકારી વકીલ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હવે આ કેસમાં ભાગેડું નિરવ મોદીની સુરતમાં આવેલી કરોડો રૂપિયાની મિલકતો એટેચ કરવામાં આવશે. યોગ્ય પ્રોસેસ થયા બાદ તેની હરાજી કરવામાં આવશે અને આ સાથે જ નિરવ મોદીને સુરત લાવવા માટેના પણ પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...