તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ ફોલોઅપ:એફએસએલનો રિપોર્ટ: ટોસિલિઝુમેબ ડુપ્લિકેટ હતું, તેમાં વપરાયેલા સ્ટિરોઇડથી દર્દીનું મૃત્યુ પણ થઇ શકે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કબજે લેવાયેલા ટોસિલિઝુમેબના બુચ પર સિરિન્જથી કરાયેલા 3 પંકચર મળી આવતાં વાયલનો વારંવાર ઉપયોગ થયાનો ઘટસ્ફોટ
  • જે દર્દીઓને જીવન રક્ષકના નામે ઇન્જેકશન અપાયંુ તે જીવન ભક્ષક સાબિત થયું છે : સરકાર પક્ષની કોર્ટમાં દલીલ

‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપેરશનમાં ઉજાગર થયેલાં ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણમાં એફએસએલે રિપોર્ટ સબમીટ કર્યો છે. જેમાં ખબર પડી છે કે, ટોસિલિઝુમેબના નામે અપાયેલા ઈન્જેક્શનમાં સ્ટીરોઈડ હતું. વાયલમાં મળી આવેલું પ્રવાહી શું છે તે જાણવા અમદાવાદ એફએસએલે તેની પર રાસાયણિક પૃથકરણ કરી સરખામણી કરી હતી. આ સ્ટીરોઈડની વધુ માત્રા દર્દીનો જીવ પણ લઈ શકે છે.

હવે સમગ્ર કેસમાં નવો એક વળાંક એ આવશે કે આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય વધની કલમનો પણ ઉમેરો થઈ શકે છે. કેમકે આરોપીઓ જાણતા હતા કે આ ઈન્જેક્શન આપવાની દર્દીને નુકસાન થઈ શકે છે. એક આ કેસની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે જે દર્દીઓને જીવન રક્ષકના નામે ઇન્જેકશન અપાયંુ તે જીવન ભક્ષક સાબિત થયું છે.

ઇન્જેક્શનનું બિલ રજૂ કરાયુ છે, પરંતુ સિરિયલ નંબર એક જ છે જે અગાઉ પણ બીજા ઇન્જેકશનના કેસમાં જણાઈ આવ્યો છે
FSL રિપોર્ટની સાથેના 3 મહત્વના ખુલાસા

  • ઇન્જેકશન જ ડુપ્લીકેટ: આ કેસની તપાસ દરમિયાન પોલીસે બે ઇન્જેકશન પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ રજૂ થયો હતો. જેમાં ડેક્સામેથાસોન સોડિયમ ફોસ્ટ્રેટ અને ઇથોફાયસીન હોવાનો ખુલાસો થયો હતો. જે એક રીતે એક સ્ટીરોઇડ છે. જેની વધુ માત્રા જીવ લઇ શકે છે.
  • બુચ પર ત્રણ કાણા: ઉપરાંત ઇન્જેકશનના બુચ પર પણ ત્રણ કાણા મળી આવ્યા હતા. એટલે એક શંકા એ પણ છે કે ખાલી વાયલનો ઉપયોગ વારંવાર કરાયો હતો અને ઉપરથી ટોસિલિઝુમેબ ઇન્જેકશનની જગ્યાએ સ્ટીરોઇડ ભરવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે એકવાર ઇન્જેકશન વપરાયા બાદ આરોપી ડો. હેતલ ખાલી વાયલ વારંવાર માગતી હતી.
  • પ્રિસ્ક્રિપ્શન પાછળથી અપાયું: આરોપી અશ્વિન સાવલિયાની જામીન અરજી દરમિયાન આજે આ ઇન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરાયુ હતુ. જેની સામે દલીલ હતી કે જો પ્રિસ્ક્રિપ્શન હતુ તો અગાઉ કેમ રજૂ ન કરાયુ, આ ઉપરાંત આ પ્રિસ્ક્રિપ્શન BHMS ડોકટરે ઇશ્યુ કર્યું છે.
  • સિરિયલ નંબર એક જ: દલીલમાં કહેવાયું હતુ કે ઇન્જેક્શનનું બિલ રજૂ કરાયુ છે, પરંતુ સિરિયલ નંબર એક જ છે જે અગાઉ પણ બીજા ઇન્જેકશનના કેસમાં છે. એટલે પણ ડુપ્લીકેટ ઇન્જેકશનની શક્યતા વધી ગઇ હતી.

ઇન્જેકશન દ્વારા જીવન મંગાયુ અને મળી મોત: નયન સુખડવાલા

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે કાળાબજાર થકી જે ઇન્જેક્શન ખરીદવામાં આવ્યુ હતુ તે ઇન્જેક્શન અપાયા બાદ ફરિયાદના સંબંધીનું મોત નિપજ્યું હતુ. એટલે એક રીતે જોઇએ તો દર્દીએ જીવન માગ્યુ અને મોત મળી હતી. એફએસએલના રિપોર્ટ બાદ કેસની ગંભીરતામાં વધારો થયો છે. ઇન્જેકશન ડુપ્લીકેટ છે એમ કહી શકાય. કોરોના કાળમાં અનેક ડોકટરોએ જીવના જોખમે લોકોને બચાવ્યા જ્યારે આ કેસમાં ડોકટરે ગુનાહિત કૃત્યુ કરી ડોકટરોની છબીને નુકશાન પહોંચાડયુ છે.

2.70 લાખમાં વેચેલા ઇન્જેક્શનમાં રૂ. 10નું સ્ટીરોઇડ
​​​​​​​સુરત : પકડાયેલી ટોળકી પાસેથી પોલીસે ટોસિલઝુમેબના બે વાયલ કબજે લીધા હતા. જેમાં એકમાં 20 એમએલ અને એકમાં 0.2 એમએલ દવા હતા. વાયલમાં શું છે તે જાણવા પોલીસે અમદાવાદ એફએસએલમાં તેને તપાસ માટે મોકલ્યા હતા. તપાસમાં ખબર પડી કે, એક વાયલમાં ડેક્સામેથાસોન નામનું સ્ટીરોઇડ હતું. જ્યારે બીજી વાયલમાં ડેક્સામેથાસોનની સાથે ઇથોફાયસીન પણ હતું. આ બંને દવા એક પ્રકારનું સ્ટીરોઇડ છે.

ડેક્સામેથાસોનનું 20 એમએલનું ઇન્જેક્શન કોઈ દર્દીને આપવામાં આવે તો તેના શરીરમાં 80 એમજી જેટલું સ્ટીરોઇડ જાય. ડેક્સામેથાસોન એવા પ્રકારનું સ્ટીરોઇડ છે કે તે 60 કિલો વજનવાળી વ્યક્તિને પણ 55 એમજી જેટલું આપવામાં આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. આ કેસમાં એવું થયું છે કે, પકડાયેલી ટોળકી જે ઇન્જેક્શન દર્દીના પરિવારને આપતી હતી તે આખેઆખું ઇન્જેક્શન દર્દીને ચઢાવવામાં આવતું હતું. એટલે કે, તેનાથી દર્દીનું મોત જ થઈ જાય.

તેઓ ઇન્જેક્શન વેચીને દર્દીના સ્વજન પાસે ઇન્જેક્શનનું પૂઠાનું બોક્સ અને વાયલ પરત લઈ લેતા હતા. તેમાં જ ફરીથી ડેક્સામેથાસોન સ્ટીરોઇડ ભરીને ફરીથી અન્યને વેચવા માટે તૈયાર કરતા હતા. રૂ. 30 હજારની કિંમતના ટોસિલિઝુમેબના નામે રૂ. 2.70 લાખ વસૂલનારી આ ટોળકી વાયલમાં જે બે સ્ટીરોઇડ ભરતી હતી તેની બજાર કિંમત માત્ર રૂ. 10 અને 70 છે.

અન્ય સમાચારો પણ છે...