પુષ્ય નક્ષત્ર યોગ સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી વગેરે પર્વની વણજાર સાથે 29 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરના શિવ મંદિરોમાં હર હર મહાદેવ નાદ ગુંજશે. શ્રાવણ માસમાં 4 પ્રહરની પૂજાનું ખૂબ જ મહત્વ હોવાથી અનેક મંદિરોમાં આ પૂજાના આયોજન થાય છે. શહેરમાં અનેક પૌરાણિક સ્વયંભૂ અને સ્થાપિત શિવાલયો છે. મંદિરોમાં પરંપરા મુજબ પૂજન અર્ચન, અનુષ્ઠાન વગેરે થશે. સોસાયટી અને ઘરોમાં પણ શિવ પૂજા તેમજ શિવ મહાપુરાણ કથાના આયોજનો થશે.
શાસ્ત્રી ભાવેશ ઠાકરે જણાવ્યું કે શ્રાવણ માસમાં શિવ પૂજા માટે કોઈ દ્રવ્ય ન હોય તો ધૂપ, દીપ, પુષ્પ, બિલ્વપત્ર અને ચંદનથી પંચોપચાર પૂજા કરી શકાય છે. સમયની અનુકૂળતા ન હોય તો માત્ર એક લોટો જળ શિવજી ઉપર અભિષેક કરીને પણ શ્રદ્ધા પૂર્ણ કરી શકાય છે. આ વખતનો શ્રાવણ માસ પુષ્ય નક્ષત્રથી શરૂ થતો હોવાથી શિવ આરાધના કરવા શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો પર્વ પણ આવતો હોવાથી શિવભક્તિ અને કૃષ્ણ ભક્તિનો પણ ઉત્તમ યોગ ગણવામાં આવે છે.
શિવ મંદિરોને કલાત્મક લાઇટિંગનો શણગાર
શહેરના શિવાલયોને લાઇટિંગથી સુશોભિત કરાયા છે. કાપોદ્રા કરમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાર પ્રહરની પૂજા કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.