રાહત:આજથી સરોલી બ્રિજ ફોર વ્હીલર માટે ખુલ્લો મૂકી નિરીક્ષણ કરાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારચાલકોને 7 કિ.મી.ના ચકરાવામાંથી રાહત મળશે
  • 17 ઓગસ્ટે​​​​​​​ ભારે વરસાદમાં બ્રિજનો એક ભાગ બેસી ગયો હતો

સુરતથી ઓલપાડને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ ત્રણેક સપ્તાહ પહેલા ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી આ બ્રિજ વાહનવ્યવહાર માટે તાબડતોબ બંધ કરી દેવાયો હતો. હવે આ બ્રિજને રીપેર કરવા માટે પાલિકા અને સુડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અઠવાડિયા અગાઉ થોડું ઘણું રિપેરીંગ થઈ જતાં બ્રિજને ટુ-વ્હીલર માટે શરૂ કરાયો હતો.

હવે આવતીકાલે બુધવારથી બ્રિજને ફોર-વ્હીલ માટે પણ શરૂ કરીને ઓબ્ઝર્વેશન કરાશે. ઓબ્ઝર્વેશન બાદ જ બ્રિજ ફોરવ્હીલર વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે એવું પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બની રહ્યો છે. જો કે આ નવા બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ પણ 4થી 5 મહિનાનો સમય લાગી શકે એમ છે. સુરત-ઓલપાડને જોડતો આ એક માત્ર મુખ્ય માર્ગ હોવાથી યુદ્ધના ધોરણે રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ગત 17 ઓગસ્ટના રોજ સરોલી બ્રિજ પર એક તરફનો ભાગ બેસી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો હતો. જેથી નાના મોટા દરેક વાહનચાલકોએ ફરજિયાતપણે જોથાણ થઇ સુરત-ઓલપાડ આવન જવન કરવાની નોબત આવતા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

અઠવાડિયા અગાઉ જ બ્રિજને ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકાયો હતો. હવે આવતીકાલથી બ્રિજને ફોર-વ્હીલર માટે ખુલ્લો મુકી ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. બાદમાં બધું સમુસૂતરું રહેશે તો બ્રિજને લાંબા સમય માટે ખુલ્લો મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...