રાહતની માગ:હોટલ, રેસ્ટોરન્ટની જેમ ટેક્સમાંથી રાહત આપોઃ સુરત કાપડ માર્કેટના વેપારીઓએ CMને પત્ર લખી માગ કરી

સુરત7 મહિનો પહેલા
સુરત ટેક્સટાઈલ માર્કેટની ફાઈલ તસવીર.
  • કાપડ વેપારીઓએ ચળવળના માર્ગ પર આગળ વધવા મજબુર બનવાની ચીમકી આપી

સુરત હજારો કરોડ રૂપિયાના વ્યવસાય સાથે સંકળાયેલા સુરત કાપડ બજારના વેપારીઓએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી ટેક્સમાં રાહત આપવા માગ કરી છે. એટલું જ નહીં પણ કાપડ વેપારીઓની માગને નજર અંદાજ કરાઈ તો વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે નહિતર સંઘર્ષ અથવા ચળવળના માર્ગ પર આગળ વધવા મજબુર બનશે એવી ચીમકી આપી છે.

કાપડ માર્કેટમાં સતત બે વર્ષથી ગંભીર મંદી
તારાચંદ કાસત (નાયબ પ્રમુખ, ઓલ ઇન્ડિયા ફેડરેશન દિલ્હી) એ જણાવ્યું હતું કે, સુરત કાપડ માર્કેટના વેપારીઓ સતત બે વર્ષથી ગંભીર મંદી અને કોરોના રોગચાળાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને કારણે દુકાનના ભાડા, પગાર સાથે નાના મોટા ખર્ચ પણ કાઢી શકતા નથી. સુરત કાપડમાં લગભગ 65 હજાર હોલસેલ વેપારની દુકાનો આવેલી છે અને વાર્ષિક 2-3 હજાર કરોડનો વેપાર કરે છે અને હાલ ચાર સંગઠન દ્વારા કાપડ બજારના વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે. આ તમામ સંગઠનો આ લડાયમાં સાથે હોવાનું તારાચંદ કાસતે જણાવ્યું છે.

કાપડ વેપારીને રાહત આપવી જ જોઇએઃ તારાચંદ કાસત
કાપડ વેપારીને રાહત આપવી જ જોઇએઃ તારાચંદ કાસત

વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે, આજે કાપડના તમામ વેપારીઓ તમામ બાજુથી નુકશાન સહન કરી રહ્યા છે. એમના તમામ ખર્ચ રેગ્યુલર થઈ રહ્યા છે. હોટલ, રેસ્ટોરન્ટની જેમ અમને પણ ટેક્સમાંથી રાહત આપો, કાપડના વેપારીઓની માગ પર ધ્યાન આપી વિચારવા અપીલ કરી છે. એટલું જ નહીં પણ જો આમ નહીં થાય તો વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે, તેથી આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરા બીલ, વીજળી બીલ, જીએસટી રિફંડ અને સરકારી ટેક્સમાં રાહત આપવા અપીલ છે. ટેક્સ મુક્તિની ઘોષણા નહીં તો તેઓએ ફરીથી કોઈપણ સંઘર્ષ અથવા ચળવળના માર્ગ પર આગળ વધવું પડશે એવી વેપારીઓએ ચીમકી આપી છે. કાપડ વેપારીને રાહત આપવી જ જોઇએ એમ જણાવ્યું છે.