ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે એ રીતે આમ આદમી પાર્ટી(AAP) ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે. ત્યારે આજે AAP દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. એમાં સુરતથી AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ 12 નામની યાદી જાહેર કરી છે, જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.
11મી યાદી જાહેર
સુરતના ઉત્તર વિધાનસભા કાર્યાલય, બીજો માળ, નીલકંઠ ચેમ્બર, સાંઈબાબા મંદિર પાછળ, કતારગામ દરવાજા ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને પાસમાંથી AAPમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોની હાજરીમાં AAPની 11મી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 12 નામ જાહેર કરવામાં આવ્યાં છે.
અલ્પેશ 14 મહિના જેલમાં રહેલો
ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા થોડા દિવસો અગાઉ જ AAPમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારિયાધારમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 14 મહિના જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા પાસનો ચહેરો હતા, જે હવે AAPમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
કોણ છે અલ્પેશ કથીરિયા?
અલ્પેશ કથીરિયા અમરેલીના મોટા ગોખરવાળા ગામના વતની છે. LLB સુધીનો અભ્યાસ, વ્યવસાયે વકીલ છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 2015માં હાર્દિકની સુરત મુલાકાત દરમિયાન મુલાકાત થઈ હતી. 2015થી અનામત આંદોલનમાં જોડાયા હતા. 2018માં અલ્પેશ કથીરિયાની ધરપકડ થઈ હતી..રાજદ્રોહ કેસમાં 14 મહિના જેલમાં રહ્યા હતા.અલ્પેશ કથીરિયા પર કુલ 22 કેસ નોંધાયા હતા. આંદોલન સમિતિ બાદ રાજકીય સફર શરૂ કરી હતી. સુરતની વરાછા બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે. અલ્પેશ કથીરિયાના ફિયાન્સી ભાજપના નેતા છે. ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ થઈ હતી. કાવ્યા કનકપુર કનસાડ પાલિકાનાં ઉપપ્રમુખ રહ્યાં હતાં.
ધાર્મિક માલવિયા પાસ કન્વીનર
અલ્પેશ કથીરિયા સાથે ખભાથી ખભો મિલાવીને ધાર્મિક માલવિયાએ આંદોલનમાં ભાગ લીધો હતો. સૌમ્ય ભાષા અને અડગ નેતૃત્વની સાથે સાથે સૌને સાથે લઈને ચાલવાની છાપ ધરાવતા ઉગ્ર અને શાંત સ્વભાવના ધાર્મિક માલવિયા યુવાનોનું મજબૂત સંગઠન ધરાવે છે. પાસના કાર્યકરોના કોઈપણ પ્રશ્નમાં તેઓ સતત ઊભા રહે છે.
ધાર્મિકને કોંગ્રેસે ટિકિટ આપી હતી
ધાર્મિક માલવિયાએ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 પરથી ધાર્મિકને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે છેલ્લી ઘડીએ કોંગ્રેસનું ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા, કારણ કે કોંગ્રેસ દ્વારા AAPની માગ મુજબ અન્ય ટિકિટની ખાતરી આપ્યા બાદ મેન્ડેટ ન અપાતાં ધાર્મિક સહિતની ટીમે કોંગ્રેસનો સાથ છો઼ડીને ઉમેદવારી નહોતી નોંધાવી.
આ નામો જાહેર થયાં
ગાંધીધામ બીટી મહેશ્વરી
દાંતા એમકે બોમ્બડિયા
પાલનપુર રમેશ નભાણી
કાંકરેજ મુકેશ ઠાક્કર
રાધનપુર લાલજી ઠાકોર
મોડાસા રાજેન્દ્રસિંહ પરમાર
રાજકોટ ઈસ્ટ રાહુલ ભુવા
રાજકોટ વેસ્ટ દિનેશ જોશી
કુતિયાણા ભીમાભાઈ દાનાભાઈ મકવાણા
બોટાદ ઉમેશ મકવાણા
ઓલપાડ ધાર્મિક માલવિયા
વરાછા રોડ અલ્પેશ કથીરિયા
પાટીદાર યુવાનો મેદાનમાં
પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. પાટીદાર અનામત આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જે માહોલ જોવા મળતો હતો એ અત્યારે દેખાતો નથી છતાં પણ હવે આ બંને આંદોલનના ચહેરા અલ્પેશ અને ધાર્મિકના આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ AAPને કેટલો લાભ કરાવશે એ જોવું રસપ્રદ બની રહેશે.
સમય સાથે મુદ્દા બદલાતા રહે છે: અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાને દિવ્ય ભાસ્કર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં પુછાયું હતું કે તમે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું એ સમયે ભાજપ સામે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી. લોકોમાં ભારે રોષ હતો, વિશેષ કરીને પાટીદારો તેમનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપનો સુરત શહેરની બારેબાર બેઠક પર વિજય થયો હતો. અલ્પેશ કથીરિયાએ જવાબ આપ્યો કે સમયની સાથે મુદ્દા બદલાતા રહે છે. આ વખતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાને કારણે લોકો પિસાઈ રહ્યા છે. એને કારણે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે. લોકોએ મનોમન નક્કી કરી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવી છે. મહિલા હોય કે યુવાનો હોય તમામ લોકો ભાજપના વિરોધમાં મતદાન કરશે.
પાસના મુખ્ય ચહેરા સુરતથી જ ચૂંટણી લડી રહ્યા છે
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પોતે કતારગામ વિધાનસભા પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ AAPના મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવે એવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ પાસમાંથી AAPમાં જોડાયેલા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા પોતે વરાછા અને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તમામ ચહેરાઓ સુરતથી જ કેમ ચૂંટણી લડી રહ્યા છે. આ બાબતે જ્યારે અલ્પેશ કથીરિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી કહી દીધું છે કે અમે તમામ લોકો સુરતના છીએ અને એના માટે અમે સુરતથી જ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફ પણ જે જે લોકો સર્વેમાં આગળ આવી રહ્યા છે એના આધારે સૌરાષ્ટ્રમાં પણ ઉમેદવારોની પસંદગી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં જેટલી બેઠકો બાકી છે એના પર પણ ઝડપથી નામ સામે આવી જશે.
કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં મોટું પરિવર્તન આવશે
અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે કહ્યું હતું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જિન છે. અમે એસી રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
ઈસુદાન ત્યાગ કરી AAPમાં આવ્યા છેઃ ઈટાલિયા
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ઈસુદાન મીડિયાની નોકરીનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતા ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યા છે. ઈસુદાનનાં માતાએ જય મા મોગલ અને જય દ્વારકાધીશ કહીને જણાવ્યું હતું કે માતાજી તેને આશીર્વાદ આપે, બધા ભાઈ-બહેનો તેને આશીર્વાદ આપજો. ઈસુદાનનાં પત્ની હિરલ ગઢવીએ કહ્યું હતું કે બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. મા મોગલ અને દ્વારકાધીશ તેમને આશીર્વાદ આપે.
ખેડાની 6 પૈકી 5 બેઠક પર ઉમેદવારો જાહેર
ખેડામાં આમ આદમી પાર્ટીની ફોજ તૈયાર થઈ ચૂકી છે. આજે વધુ એક માતર બેઠક પરથી યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે મહોર મારી દેતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફક્ત નડિયાદ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. AAPએ ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 4 વિધાનસભા માટે અગાઉ ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 4થી યાદીમાં ઠાસરા વિધાનસભા બેઠક પરથી નટવરસિંહ રાઠોડને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યાર બાદ 5મી યાદીમાં મહુધા વિધાનસભા બેઠક પરથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. છઠ્ઠી અને 7મી યાદીમાં કપડવંજ વિધાનસભા બેઠક પરથી મનુભાઈ રામાભાઈ પટેલ અને મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી પ્રમોદભાઈ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.