સુરતમાં ઓમિક્રોનનો બીજો કેસ:દુબઈથી પરત ફર્યા બાદ 39 વર્ષીય ફેશન ડિઝાઇનરના સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પુત્ર-પુત્રી નેગેટિવ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઉતરાણ વિસ્તારમાં 39 વર્ષીય મહિલા જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું માલુમ પડ્યું

દેશમાં કોરોના સંક્રમણના નવા વેરીયન્ટ એટલે કે ઓમિક્રોનના વધુ ત્રણ કિસ્સા ગુજરાતમાં નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં આ નવા ત્રણ કેસ નોંધાયા હતા. જેથી હવે રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવના કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. સુરતમાં નોંધાયેલા કેસની વિગત પ્રમાણે, દુબઈથી પરત ફર્યા બાદ 39 વર્ષીય ફેશન ડિઝાઇનરના સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ મહિલામાં કોઈ પણ લક્ષણો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે ખાનગી હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેના પુત્ર અને પુત્રીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હોમ ક્વોરન્ટીન છે.

મહિલા દુબઈથી પુત્ર અને પુત્રી સાથે પરત ફરી હતી
39 વર્ષીય મહિલા કે જેઓ વ્યવસાયે ફેશન ડિઝાઇનરનું કામ કરે છે અને હાલ વી.આઈ.પી રોડ ઉત્તરાણ ખાતે તેમના 18 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી સાથે રહે છે. તેમનો જિનોમ સિક્વન્સીંગનો રિપોર્ટ ઓમિક્રોન વેરિયન્ટ માટે પોઝિટિવ આવ્યો હતો. 8 ડિસેમ્બરના રોજ દર્દીને શરદી, ખાંસીની તકલીફ શરૂ થઈ હતી. બીજા દિવસે લંબે હનુમાન સ્થિત પ્રાઈવેટ ડોક્ટરની મુલાકાત લીધેલ અને ત્યાં પ્રાથમિક સારવાર લીધેલ હતી. 13 ડિસેમ્બરના રોજ ફરીથી ફરીથી દુબઈ જવા માટે શારજહાંની ફ્લાઈટ બુક કરાવેલી, જ્યાં સુરત એરપોર્ટ પર પેથોકેર લેબ દ્વારા કરેલ રેપિડ, RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મહિલા 2 ડિસેમ્બરના રોજ પુત્ર અને પુત્રી સાથે સુરતથી દુબઈ ગયા હતા. ત્યાં 5 ડિસેમ્બર સુધી દુબઈમાં રહી ત્યાંથી એર ઇન્ડિયા ફ્લાઈટ મારફતે સુરત પરત આવેલા અને ઘરે જ ક્વોરન્ટીન થયેલા હતા .

સંપર્કમાં આવેલા કુલ 78 વ્યક્તિના ટેસ્ટ નેગેટિવ આવ્યા
આરોગ્યની ટીમ દ્વારા દર્દીને 13 ડિસેમ્બરથી હોમ અઈસોલેશનમાં રાખવામાં આવેલ અને તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. સાથે જ સુરત મહાનગપાલિકની કોવિડ એપથી તેમજ ઝોનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિયમિત મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યા હતા. કોન્ટેક્ટ ડ્રેસિંગ કરી , સોશિયલ, પ્રોફેશનલ કોન્ટેક્સનું ધનવંરી રથ દ્વારા ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 78 વ્યક્તિના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દર્દીએ કોવિશીલ્ડ વેક્સિન લીધેલી છે ( પ્રથમ ડોઝ- જુન 2021 બીજો ડોઝ 16 સપ્ટેમ્બર). પુત્રી વનિતા વિશ્રામ કોલેજ ખાતે બી.સી.એ - પ્રથમ વર્ષમાં અભ્યાસ ( કોવિશીલ્ડ બંને ડોઝ લીધેલ, અને 13 ડિસેમ્બરના રોજ નેગેટિવ આવેલ) પુત્ર કે. પી. કોમર્સ કોલેજ ખાતે બીસીએ - પ્રથમ વર્ષ અભ્યાસ ( કોવિશીલ્ડ બંને ડોઝ લીધેલ અને 13 ડિસેમ્બરના રોજ નેગેટિવ આવેલ ) હાલમાં ક્વોરન્ટીન હેઠળ છે.

મહિલા ખાનગી હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં
દર્દીની સાથે ફ્લાઈટમાં સાથે રહેલ તમામ 9 વ્યક્તિઓનું 13મીના રોજ ટેસ્ટિંગ થયું હતું. જેમાં તમામ નેગેટિવ હતા. દર્દીને હાલમાં કોઈ પણ લક્ષણો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે ખાનગી હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવેલ છે. દર્દીના પુત્ર અને પુત્રી 13 ડિસેમ્બરના રોજથી દર્દીના ભાઈના ઘરે મોટા વરાછા ખાતે ક્વોરન્ટીન કરવામાં આવેલ છે અને આજ રોજ તમામના સેમ્પલ ફરીથી મોકલવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ બીજો દર્દી પોઝિટિવ આવેલ છે. અગાઉ પ્રથમ પોઝિટિવ આવેલ એ. કે રોડ વરાછાના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. ગતરોજ કેન્યાના રહેવાસી પોઝિટિવ આવતા શંકાસ્પદ દર્દી તરીકે સ્મીમેર ખાતે દાખલ કરી સેમ્પલ જિનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવેલ છે.