• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • No Death From Corona In Surat After 88 Days, Covid Hospital Campus Empty, More Than 9 Crore Fine Levied From People Without Masks

રાહતના સમાચાર:88 દિવસ બાદ સુરતમાં કોરોનાથી મોત નહીં, કોવિડ હોસ્પિટલ કેમ્પસ ખાલીખમ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી કુલ 9.11 કરોડ દંડ વસૂલાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતની કોવિડ હોસ્પિટલમાં હાલ માત્ર 69 દર્દીઓ જ સારવાર હેઠળ છે. - Divya Bhaskar
સુરતની કોવિડ હોસ્પિટલમાં હાલ માત્ર 69 દર્દીઓ જ સારવાર હેઠળ છે.
  • કોવિડ હોસ્પિટલની બહાર આંગળીના ટેરવે ગણાય એટલા દર્દીઓ અને તેમના સંબંધીઓ

સુરત શહેરમાં કોરોનાએ મચાવેલા તાંડવમાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે. કોરોના સંક્રમણને કારણે સત્તાવાર રીતે મૃત્યુઆંક અને સ્મશાનમાં જતાં મૃતદેહોની સંખ્યામાં તફાવત હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યો. પરંતુ આખરે રાહતના સમાચાર એ છે કે કોરોના સંક્રમણને કારણે અંદાજે 88 દિવસ બાદ એક પણ મોત થયું નથી. હાલ કોવિડ હોસ્પિટલનું કેમ્પસ પણ ખાલીખમ છે. જ્યારે અત્યારસુધીમાં પોલીસ અને પાલિકા દ્વારા માસ્ક પહેર્યા વિના પરતા સુરતીઓ પાસેથી અધધ 9.11 કરોડનો દંડ વસૂલ્યો છે.

છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો
છેલ્લા ત્રણ મહિનાથી સુરત સિવિલ કેમ્પસમાં જે પ્રકારનો હાહાકાર જોવા મળી રહ્યો હતો અને આક્રંદ જોવા મળી રહ્યો હતો તે મહદ્અંશે શાંત થતો દેખાઈ રહ્યો છે. કોવિડ હોસ્પિટલની બહાર સતત 108 એમ્બ્યુલન્સનો રણકાર અને મૃતકના પરિવારજનોના દર્દીથી આખું શહેર શોકમય બની ગયું હતું. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓથી હેલ્પ ડેસ્ક પર સતત ધસારો જોવા મળતો હતો.

કોરોના દર્દીઓના સગાંઓ માટે બનાવવામાં આવેલા ડોમ ખાલી દેખાઈ રહ્યા છે.
કોરોના દર્દીઓના સગાંઓ માટે બનાવવામાં આવેલા ડોમ ખાલી દેખાઈ રહ્યા છે.

ડોક્ટર્સ અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો
સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની બહાર આંગળીના ટેરવે ગણાય એટલા દર્દીઓ અને તેમના સંબંધીઓ જોવા મળી રહ્યા છે. સતત કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાતું હોસ્પિટલ આજે ખાલીખમ જોવા મળતા શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની અવરજવર લગભગ બંધ જેવી થઈ ગઈ છે. સૌથી વધુ વ્યસ્ત દેખાતા અને જેની કામગીરીની સરાહના કરવી પડે તેવા ડોક્ટર્સ અને સ્ટાફે રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. હેલ્થ ડેસ્ક ઉપર સતત મૃતક પરિવારના સંબંધીઓના ઘર્ષણો થતા રહેતા હતા જે હવે જોવા મળી રહ્યા નથી.

કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં હાલ ગણ્યા ગાઠ્યાં દર્દીઓના સગાંઓ જોવા મળી રહ્યા છે.
કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં હાલ ગણ્યા ગાઠ્યાં દર્દીઓના સગાંઓ જોવા મળી રહ્યા છે.

રિકવરી રેટ 97 ટકા પર પહોંચી ગયો
સુરતમાં કોરોના રિકવરી રેટ 97 ટકાએ પહોંચ્યો છે. જેના થકી શહેરની સ્થિતિમાં થયેલા સુધારાનો ખ્યાલ આવે છે. સુરત શહેરમાં અત્યારે 156 દર્દીઓ સારવાર હેઠલ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 69, સ્મિમેરમાં 80 અને ખાનગી હોસ્પિટલમાં 7 દર્દી સારવાર લઈ રહ્યા છે. રાંદેર અને અઠવા ઝોનમાં હજી પણ કોરાનાના કેસ જોવા મળી રહ્યા છે. વેક્સિનેશનની પ્રક્રિયા પણ અઠવા ઝોનમાં સૌથી વધુ પ્રમાણમાં થઈ રહી છે. ધીરે-ધીરે વેક્સિનેશનને લઈને આવેલી જાગૃતિને કારણે કોરોના સંક્રમણ ઘટે તેવી પૂર્ણ શક્યતાઓ છે.

જ્યાં એમ્બ્યુલન્સની લાઈનો લાગતી ત્યાં હાલ રસ્તાઓ ખાલી.
જ્યાં એમ્બ્યુલન્સની લાઈનો લાગતી ત્યાં હાલ રસ્તાઓ ખાલી.

પોલીસે 7.85 કરોડનો દંડ વસૂલ્યો
કોરોના સંક્રમણ કાબૂમાં લેવા માટે સુરત શહેર પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ખૂબ જ સખ્તાઇપૂર્વક પાલન કરાયું હતું. જેના કારણે શહેરીજનોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પરંતુ કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે કદાચ એ જ માર્ગ સૌથી વધુ અનુકૂળ હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતીએ માસ્કના દંડ પેઠે અધધ...રૂ 9.11 કરોડ ચૂકવ્યા છે. સુરત પોલીસ દ્વારા 78508 લોકોને દંડ કરી 7.85 કરોડ વસૂલ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓએ રૂ 1.20 કરોડ દંડ વસૂલ્યા છે. દંડ વસૂલાત વખતે અનેક વખત કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે શહેરીજનોના સતત ઘર્ષણ થવાના બનાવો સામે આવ્યા હતા.