1 એપ્રિલથી જ્વેલર્સ ફરજિયાત HUID (હોલમાર્ક યુનિક આઈડી)વાળી જ જ્વેલરી વેચી શકશે, જેનાથી બ્લેકનું વેચાણ બંધ થશે. જે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે છે તે તેની જરૂરિયાત પ્રમાણે જ મળે એટલા માટે સરકાર દ્વારા હવે નિયમ બનાવ્યો છે. જેમાં જ્વેલર્સો 1લી એપ્રિલથી માત્ર યુએચઆઈડી નંબર વાળી જ જ્વેલરીનું વેચાણ કરી શકશે. જ્વેલરીમાં 14, 16, 18, 20 અને 22 કેરેટની જ્વેલરી હોય છે, અમુક જ્વેલર્સો દ્વારા ગ્રાહક દ્વારા માંગવામાં આવે તેના કરતાં નીચેના કેરેટની જ્વેલરી ગ્રાહકને પધરાવી દેવામાં આવતી હોય છે.
સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને બીએસઆઈ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)માં રજીસ્ટ્રેશન થશે. એટલે કેટલા ગ્રામ, કેટલા કેરેટની જ્વેલરી છે તેની પણ જાણકારી ગ્રાહક આ યુએચઆઈડી નંબર દ્વારા જાણી શકશે. બીજી તરફ અમુક જ્વેલર્સો દ્વારા બ્લેક માર્કેટમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોય છે, યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થશે.
સરકાર દ્વારા 1લી એપ્રિલથી આ નિયમ અમલમાં મુકવાનું આયોજન કર્યુ છે, પરંતુ સુરતમાં અંદાજે 15 જેટલા જ હોલમાર્કિંગ સેન્ટર છે બીજી તરફ શહેરમાં 2500થી વધારે જ્વેલર્સ હોવાથી સમયસર હોલમાર્કિંગ નહીં થાય તેવો મત જ્વેલર્સો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
HUID રજિ.માં વાર લાગે છે, પરંતુ ફાયદો ખરીદદારોને
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ નૈનેષ પચ્ચીગરે કહ્યું હતું કે, ‘એચયુઆઈડી રજીસ્ટ્રર કરવામાં વાર લાગતી હોય છે, એટલે થોડી ઢીલ થશે પરંતુ ખરીદારોને ફાયદો થશે, બીજી તરફ જ્વેલર્સ પાસેથી બ્લેકમાં દાગીના ખરીદી શકાશે નહીં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.