સિદ્ધાર્થ હત્યા કેસ:મિત્ર નિકુંજે ડ્રગ્સ માટે કાર ગીરવે મૂકતા થયેલા ઝઘડામાં મર્ડર થયું

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOG-DCB અને સરથાણા પોલીસે નિકુંજ અને પ્રકાશને ઝડપી પાડયા

આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની હત્યામાં એસઓજી-ડીસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બંને હત્યારાઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. હત્યા પાછળનું કારણ હત્યારા નિકુંજે મૃતક સિધ્ધાર્થની કાર વાપરવા માટે લઈ 50 હજારની રોકડ લઈ કાર ગીરવે મુકી દીધી હતી. આ વાતની ખબર પડતા સિધ્ધાર્થ રાવે નિકુંજને ફોન પર માથાકૂટ કરી તેની પત્ની અને પુત્રીને અશબ્દો બોલ્યો હતો. દરમિયાન નિકુંજના મિત્ર પ્રકાશ ગઢવીને પણ અશબ્દો બોલ્યો હતો. આથી બન્ને જણાએ સિદ્ધાર્થ રાવની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

24મી તારીખે સિધ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈ સરથાણા જકાતનાકા ડ્રીમલેન્ડ બિલ્ડિંગ પાસે આવી બંને હત્યારાઓને બોલાવ્યા હતા. સિધ્ધાર્થ રાવે બંનેે આરોપીઓની સાથે ગાળાગાળી કરી હતી. જેના પગલે નિકુંજ અને પ્રકાશે સિધ્ધાર્થ રાવને જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ત્યાંથી મોપેડ પર ભાગી ગયા હતા.લોહીલુહાણ હાલતમાં સિધ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બંને હત્યારા મોપેડ રસ્તામાં મુકી પ્રકાશ ગઢવીની બાઇક પર ભાગી ગયા હતા.

બીજી તરફ હત્યાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળ‌વી તપાસ શરૂ કરી હતી. જેમાં નિકુંજની ઓળખ થઈ હતી. આ હત્યાના ગુનામાં એસઓજીના સ્ટાફે બાતમીને આધારે સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસેથી હત્યારા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખ સાંગાણી(રહે,સુખ-અમૃત સોસા,ઉમરાગામ,ઓલપાડ) અને પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા (રહે,સાંકેત રો હાઉસ,મોટાવરાછા)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે બંને પાસેથી બે મોબાઇલ અને બાઇક પણ કબજે લીધી છે. હજુ પણ આરોપીઓ પાસેથી મોપેડ કબજે કરવાનું બાકી છે.

આઠ દિવસ પહેલાં સિદ્ધાર્થ રાવે નિકુંજને વોક્સવેગન કાર વાપરવા માટે આપી હતી
સિધ્ધાર્થ રાવનો એક મિત્ર મારફતે નિકુંજ સાથે દોસ્તી થઈ હતી. 8 દિવસ પહેલા નિકુંજ ઉર્ફે કાનોને સિધ્ધાર્થ રાવએ વોક્સ વેગન કાર વાપરવા માટે આપી હતી. નિકુંજને નશીલા પર્દાથોની લત હતી. જેના માટે પૈસાની જરૂર હતી. જેથી તેણે કાર ગીરવે મુકી 50 હજારની રકમ લઈ આવ્યો હતો.આ રકમમાંથી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. કોની પાસેથી લઈ આવ્યો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...