કતારગામના રત્નકલાકારને મિત્રને મદદ કરવાનું ભારે પડ્યું હતું. રત્ન કલાકારે ક્રેડિટકાર્ડ આપતા ઠગ મિત્રે 2 લાખ રૂપિયા ઉપાડી લીધાં હતાં એટલું જ નહીં કાર્ડ અને રૂપિયા પરત માંગતા ધમકી પણ આપી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર લલિતા ચોકડી પાસે નિલકંઠ સોસાયટીમાં રહેતા કિર્તીભાઈ ચેહરાભાઈ સુથાર રત્નકલાકાર છે. જુલાઈ 2019માં કિર્તીભાઈના મિત્ર સંજય પરસોત્તમ વેગડે ઉધાર રૂપિયા માંગ્યા હતા ત્યારે કિર્તીભાઈએ પોતાનું એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ અને તેનો નંબર આપી દીધો હતો.
સંજય વેગડે કિર્તીભાઇના ખાતામાંથી બે લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યાર બાદ સંજયે ક્રેડિટ કાર્ડ અને રૂપિયા કિર્તીભાઇને પરત કર્યા નહતા. કિર્તીભાઈએ રૂપિયા અને કાર્ડ માંગતા સંજય પરત આપતો નહતો. સંજયે રૂપિયાના અવેજમાં આપેલા ચેક પણ રિટર્ન થયાં હતાં. સંજય ઉપરાંત તેના ભાઈઓ કિશોર વેગડ અને હિતેશ વેગડે પણ કિર્તીભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ રૂપિયા અને કાર્ડ પરત આપવાની ના પાડી દીધી હતી.
બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાથી બેંક તરફથી પેનલ્ટી ભરવા અંગે નોટિસ આવતા બેંકમાં 22600 રૂપિયા કિર્તીભાઈએ ભરવા પડ્યા હતા. આખરે કિર્તીભાઈએ સંજય અને તેના બંને ભાઈઓ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.