ભેજાબાજ ઝડપાયો:સુરતમાં ATMમાં રોકડ ઉપાડવા જનાર બેનો ડેબિટ કાર્ડ બદલી લઇ 32 હજારની ઠગાઇ કરનાર ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. - Divya Bhaskar
આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.
  • પાંડેસરામાં બેંકના એટીએમ પર ઠગાઈ કરનાર ભેજાબાજ પાસેથી 5 ATM મળ્યા

સુરતમાં પાંડેસરાની દેવકીનંદન સ્કૂલ નજીક ઇન્ડસલેન્ડ બેંક અને ગુ.હા. બોર્ડ નજીકના એસબીઆઇના એટીએમમાં રોકડ ઉપાડવા જનાર બે શ્રમજીવી સાથે ઠગાઈ થઈ હતી. રોકડ ઉપાડવામાં મદદરૂપ થવાના બહાને ચાલાકી પૂર્વક એટીએમ ડેબિટ કાર્ડ બદલી લઇ બંનેના એકાઉન્ટમાંથી ચાલાકી પૂર્વક રૂ. 32,300ની મત્તા ઉપાડી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. પોલીસે ગણતરીની કલાકોમાં વિકાસ રાધેશ્યામ તિવારીની ધરપકડ કરી છે.

પહેલી ઘટના
પાંડેસરા જીઆઇડીસીની મીલમાં નોકરી કરતો સુનીલ ગોરેલાલ યાદવ (ઉ.વ. 35 રહે. સુખીનગર, ગુ.હા. બોર્ડ, પાંડેસરા અને મૂળ. ધબોલી, તા. બંદા, જિ. સાગર, મધ્યપ્રદેશ) બે દિવસ અગાઉ મિત્ર નિલેશ પટેલ સાથે ઘર નજીક ઇન્ડસલેન્ડ બેંકના એટીએમમાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં એટીએમમાં ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કરી પાસવર્ડ નાંખી બેલેન્સ ચેક કરી હતી. તે દરમિયાન પાછળ ઉભેલા અજાણ્યા યુવાને આ રીતે પૈસા નહીં નીકળશે, લાવો હું તમને મદદ કરૂ એમ કહી વાતચીતમાં ચાલાકી પૂર્વક સુનીલનો એટીએમ કાર્ડ બદલી લઇ ટેક્નિકલ એરર છે, થોડી વાર પછી પૈસા ઉપાડજો એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. સુનીલ એટીએમની બાજુમાં આધારકાર્ડ થકી રોકડ ઉપાડી આપનાર દુકાનદારને ત્યાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં દુકાનદારે બેલેન્સ ચેક કરતા તેના એકાઉન્ટમાંથી રૂ. 21,300 વિડ્રોલ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી ઘટના
વેસુની દુકાનમાં હેન્ડવર્કનું કામ કરતા વિનોદ રામઆશિષ મહંતો (ઉ.વ. 40 રહે. કર્મયોગી સોસાયટી-2, પાંડેસરા અને મૂળ. રામનેકા, તા. પઢીયાર, જિ. સીતામણી, બિહાર) પાંડેસરાના ગુ.હા. બોર્ડ નજીક એસબીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં રોકડ ઉપાડવા ગયો હતો. જયાં વિનોદને પણ હું તમને પૈસા ઉપાડવામાં મદદ કરૂ છું એમ કહી એટીએમ કાર્ડ લઇ વિનોદેને કેમેરા તરફ જોવાનું કહ્યું હતું. આ અરસમાં મદદ કરનાર ભેજાબાજે એટીએમ કાર્ડ બદલી લીધો હતો અને ટેક્નિકલ એરર છે, થોડી વાર પછી પૈસા ઉપાડજો એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ વિનોદ અન્ય એટીએમમાં રોકડ ઉપાડવવા ગયો હતો પરંતુ તેના એકાઉન્ટમાંથી ભેજાબાજે રૂ. 11 હજાર ઉપાડી લીધા હતા.

ભેજાબોજોથી સાવધાન રહેવા પોલીસની અપીલ
ફરિયાદ આધારે પોલીસ તપાસ હાથ ધરતા ગણતરીની કલાકોમાં આરોપી વિકાસ રાધેશ્યામ તિવારીની ધરપકડ કરી છે. આરોપી વિકાસ પાસેથી 5 એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડા 20 હજાર રૂપિયા કબજે લેવામાં આવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, એટીએમમાંથી રૂપિયા ઉપાડતા સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કાર્ડ ન આપો અને કાર્ડની માહિતી પણ ન આપો.