ક્રાઈમ ન્યૂઝ:સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથેના ઠગાઈના બનાવ વધ્યા, બે વેપારીઓ સાથે 24.62 લાખની છેતરપિંડી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા અને ઉધના પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સલાબતપુરા અને ઉધના પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર)
  • સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોધાઈ

સુરતના કાપડ બજારમાં છેતરપિંડીની બે ઘટનામાં રૂ.24.62 લાખની ઠગાઈની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. તે પૈકી ઘોડદોડ રોડના વિવર પાસેથી દલાલ મારફતે માલીની વાડીના વેપારીએ રૂ.15.19 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યું નહોતું.જયારે ઉધનાના વેપારી પાસેથી રૂ.9.43 લાખનું વેલ્વેટ કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરનાર ગ્લોબલ માર્કેટના વેપારી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

15.19 લાખની ઠગાઈ
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ જમના નગર બસ સ્ટેશન પાસે સંત તુકારામ સોસાયટી વિભાગ 3 ઘર નં.36 માં રહેતા 50 વર્ષીય પિયુષભાઈ ડાહ્યાભાઈ બારડોલીવાલા બમરોલી રોડ ખાતે જુદાજુદા નામે લુમ્સના કારખાના ધરાવે છે. પરિચિત દલાલ ભરતકુમાર જયકિશનદાસ તાલીયા ( ઉ.વ.64, રહે.ઘર નં.3/1943, પહેલા માળે, સિધ્ધી શેરી, સલાબતપુરા, સુરત ) મારફતે તેમણે ગત 15 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર 2021 દરમિયાન તેમણે સલાબતપુરા કોહિનુર માર્કેટ પાસે માલીની વાડી ખાતે ઘર નં.H-1 3-2885/સી/સી/7/એ-3 માં ખુશાલ ઈમપેક્ષના નામે વેપાર કરતા ગિરીશ ગુલાબસિંહ પારખને રૂ.15,19,004 નું ગ્રે વીસકોસ કાપડ આપ્યું હતું.જોકે, ગિરીશભાઈએ સમયસર પેમેન્ટ કર્યું નહોતું અને ઉઘરાણી કરવા જાય ત્યારે દુકાને મળતા ન હોય તેમજ ફોન પણ રિસીવ કરતા ન હોય છેવટે આ અંગે પિયૂષભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

કાપડના 9.42 લાખ ન આપ્યા
છેતરપિંડીની બીજી ઘટનામાં સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટ એ-901 માં રહેતા 29 વર્ષીય નિરવભાઈ પરસોત્તમભાઈ સભાયા ઉધના ભરતનગર વાડીની સામે હરિનગર 2 ની પાછળ રામ ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.61-62 માં રામ ક્રિષ્ણા ફેશનના નામે વેલ્વેટ કાપડનો વેપાર કરે છે. ગત 7 સપ્ટેમ્બર 2020 ના રોજ ભુપતભાઈ રવજીભાઈ પટેલ ઉર્ફે સાકરીયા ( ઉ.વ.43, રહે.ધર નં.1, શારદા વિહાર સોસાયટી, ત્રણ પાનના વડની બાજુમાં, અશ્વિનીકુમાર, વરાછા, સુરત ) નિરવભાઈની ઓફિસે આવ્યા હતા અને પોતે કડોદરા રોડ ગ્લોબલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં લીઝા ટેક્ષના નામે દુકાન ધરાવે છે કહી પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી વેપાર શરૂ કર્યો હતો.જોકે, 11 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર 2020 દરમિયાન ખરીદેલા રૂ.9,42,684 ના કાપડનું પેમેન્ટ સમયસર ચુકવવાને બદલે ભુપતભાઈએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા છેવટે નિરવભાઈએ ગતરોજ ઉધના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ભુપતભાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...