છેતરપિંડી:વેસુના કોલસાના વેપારી સાથે 8.02 કરોડની ઠગાઇ, 5 સામે ગુનો દાખલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વેસુમાં રહેતા અને સહારા દરવાજા પર કોલસાનો વેપાર કરતાં વેપારી પાસેથી ભીવંડીના વેપારીઓએ ઉધારમાં કોલસો લઇ 8.02 કરોડ ન ચૂકવી છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસથી મળતી માહિતી મુજબ વેસુમાં ફ્લોરિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ સજ્જન અગ્રવાલ કોલસાનો વેપાર કરે છે.તેમની ઓફિસ સહારા દરવાજા પાસે છે. મહારાષ્ટ્રના સનસાઈન પેપ ટેક નામની પેપર મિલનો મેનેજર દિપક ઢોલુ શૈલેશ પાસેથી કોલસો ખરીદતો હોય તેના રેફરન્સથી શૈલેશે અજય અને તેના પિતા સંજય શેષ સાથે કોલસાનો વેપાર શરૂ કર્યો હતો.

અજય અને સંજયે ભીવંડી ખાતે યોગીરાજ મેટ્રોનામથી પ્રોસેસ ડાઇંગ ચલાવતો હોવાનું શૈલેશને કહ્યું હતું. આરોપી પિતા-પુત્રે શૈલેશને 90 દિવસમાં પેમેન્ટનો વાયદો કરતાં શૈલેશે કુલ 9.98 કરોડનો કોલસો વેચવામાં આવ્યો હતો. તેની સામે 2.71 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. દિપક ઢોલુના કહેવાથી મહારાષ્ટ્રની ફિનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપનીમાં પણ ટ્રાન્સપોર્ટર આસીફ શેખના માધ્યમ 76 લાખનો કોલસો ઉધાર આપ્યો હતો. તેના ખરીદદાર તરીકે નંદુભાઈ ઉર્ફ મુદસ્સીર અન્સારી હોવાનું જણાવ્યું હતું. નંદુએ પણ તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું.

શૈલેશ અગ્રવાલે વારંવાર રૂપિયાની માંગણી કરતા દિપકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કોઈએ પેમેન્ટ કર્યું નહતું. ભીવંડી તપાસ કરતા ત્યાં યોગીરાજ મેટ્રો નામથી કોઈ કંપની ન હતીં. પાલઘરના વાડા ખાતે જઈને તપાસ કરતા ત્યાં પણ ફિનીક્સ ઇન્ફ્રા એન્ડ કંપની જણાઈ ન હતું. ટ્રાન્સપોર્ટર આસીફ શેખને ફોન કરતા તેને પણ સંતોષજનક જવાબ આપ્યો નહતો.

ત્યાર બાદ સંજય અને અજય શેષે મેલ કરીને જણાવ્યું હતું કે તમામ માલ ખરાબ હતો. જ્યારે માલ સ્વીકારેલો ત્યારે માલ મળી ગયાની નોંધ કરી પરંતુ તેમાં ખરાબ માલ હોવાનું તેઓએ જણાવ્યું ન હતું. તેથી શૈલેશ અગ્રવાલે સંજય,અજય શેષ, દિપક ઢોલુ, આસીફ શેખ અને નંદુ ઉર્ફ મુદસ્સીર વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...