ઉધના મગદલ્લા રોડ પર દેવચંદ નગરમાં ઓફિસ ચલાવતા 2 આરોપીએ વેપારી સાથે રૂ. 79.55 લાખની છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેસુ સોમેશ્વરા સોસાયટીમાં રહેતા કરિશ્માબેન ધનકાણી યાર્નના વેપારી છે.
ઉધના સ્થિત સત્યનગર સોસાયટીમાં રહેતા અને ઉધના મગદલ્લા રોડના દેવચંદ નગરમાં ઓફિસ ચલાવતા મહેન્દ્ર કાશીલાલ દલાલ અને વિનય દલાલ ઉર્ફે સંજયભાઈ વસંતભાઈ જરીવાલા નામના 2 દલાલોએ માર્ચમાં કરિશ્માબેનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ નામ અલગ-અલગ જણાવી બંનેએ કરિશ્માબેન પાસેથી 79.55 લાખથી વધુનો માલ ખરીદ્યો હતો. જે બાદ પૈસા ન ચૂકવી ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા.
આ કેસની તપાસ ઈકોનોમિક સેલને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ 50 વર્ષીય વેપારી મહેન્દ્ર કાશીરામ દલાલની ધરપકડ કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ તેના ભાગીદાર વિનય દલાલ ઉર્ફે સંજય વસંત જરીવાલા સાથે મળીને ખટોદરા વિસ્તારમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝના ખોટા નામથી યાર્નનો ધંધો શરૂ કર્યો હતો. આરોપીઓએ કરિશ્મા પાસેથી સામાન ખરીદીને પૈસા ચૂકવ્યા ન હતા.
પોલીસે જણાવ્યું હતું કે, ટેક્નિકલ વર્કઆઉટના આધારે આરોપીની વેસુના સફલ સ્ક્વેરની ઓયો હોટલમાંથી ધરપકડ કરી હતી. મહેન્દ્ર અને વિનય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશન અને ભિવંડી તેમજ મહુઆ પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ કેસ નોંધાયેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.