સુરત શહેરના મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જ્વેર્લસ પ્રા.લીમાંથી બિહારના અગ્રવાલ પિતા-પુત્રએ ઉધારમાં રૂપિયા 44.70 લાખનો હીરા અને જ્વેલરીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચુકવી ઠગાઈ કરી હતી. બિહારમાં તપાસ માટે ગયેલી પોલીસને અગ્રવાલ પિતા-પુત્રએ પોતાનું મકાન ખાલી કરી ગયા હોવાની સાથે અન્ય રાજયના જવેલર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
શરુઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો
નાનપુરા ટીમલીયાવાડ સિધ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા ધીરજભાઈ ડાહ્યાભાઈ શાહ (ઉ.વ.42) મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જ્વેલર્સ પ્રા.લી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ધીરજભાઈની દુકાનમાંથી બિહારના પટના બુધ્ધા માર્ગ વાઈટ હાઉસ ખાતે અગ્રવાલ બ્રધર્સ નામની કંપની ધરાવતા પંકજ અગ્રવાલ અને તેના પિતા ચાંદ બિહારી અગ્રવાલે ફેબ્રુઆરી 2017માં શરુઆતમાં ઉધારમાં હીરા અને જ્વેલરીનો માલ ખરીદ્યો હતો અને તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ અગ્રવાલ પિતા-પુત્રએ 2018માં કુલ રૂપિયા 4470239નો કલર સ્ટોન સાથેના હીરા અને જ્વેલરીનો માલ ખરીદ્યો હતો.
અન્ય રાજયના જવેલર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું
નક્કી કરેલ સમયમર્યાદામાં પેમેન્ટ નહી કરતા ધીરજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ધીરજભાઈને ખ્યાલ આવી ગયો કે અગ્રવાલ પિતા-પુત્રએ તેમની સાથે ઠગાઈ કરી છે. જેથી ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ધીરજભાઈની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી પીએસઆઈ ડી.ડી.ચૌહાણ સ્ટાફના માણસો સાથે તપાસમાં બિહાર ગયા છે. પોલીસની તપાસમાં આરોપી અગ્રવાલ પિતા-પુત્રએ પોતાનું મકાન વેચી નાસી ગયા છે અને તેમના ઘરે અન્ય રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પણ ઉઘરાણી માટે વેપારીઓ આવતા હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.