ઠગાઈ:PM આવાસના 5 લાખ આપવાનું કહી 15 સાથે 2.25 લાખની છેતરપિંડી

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વ્યક્તિના કોરા ચેકની ઝેરોક્ષ આપી છેતરપીંડી કરાતા ફરિયાદ

સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામનાં બે ઈસમો દ્વારા પોતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખની સહાય મેળવી આપવાનું કામ કરતા હોય તેમ જણાવી માંડવી તાલુકાનાં 14 અને માંગરોળ તાલુકાનાં 1 વ્યક્તિને લાલચ આપી તેમની પાસેથી 15 હજાર રૂપિયા લઈ કવરમાં અન્યના નામના ચેકની કલર ઝેરોક્સ આપી 2.25 લાખની ઠગાઈ કરી હતી. બે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. માંડવી તાલુકાનાં ફૂલવાડી ગામે રહેતા વિપુલભાઈ રમેશભાઈ ચૌધરી (32)ની કલમકુવા ગામ ખાતે રહેતા એક વ્યક્તિ દ્વારા સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામ ખાતે રહેતા હેતલભાઈ જયંતીભાઈ ગામીત તથા સુરેશભાઈ મગનભાઈ ગામીત સાથે ઓળખાણ થઈ હતી.

હેતલભાઈ તથા સુરેશભાઈ દ્વારા વિપુલભાઈને જણાવાયું હતું કે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ. 5,00,000 અપાવવાનું કામ કરીએ છીએ અને જેઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનો આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ઘર વેરાની રસીદ અને ફોટા જમા કરાવી ઓનલાઈન ફોર્મ ભરી આવાસ મંજુર કરાવવાનું જણાવ્યું હતું. વિપુલભાઈ દ્વારા પોતાના ડોક્યુમેન્ટ તેઓને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રાકેશભાઈનો ફોન આવી “તમારું આવાસ મંજૂર થઈ ગયું છે અને તમારે જિલ્લા સેવા સદન, સુરત ખાતેથી ચેક મેળવવાનો હોય અને તેના રૂ. 15,000 ભરવાના રહેશે.” એમ જણાવતા વિપુલભાઈ જિલ્લા સેવા સદન, સુરત ખાતે પહોંચ્યા હતા. જ્યાં બીજા 14 લાભાર્થીઓ પણ આવ્યા હતા. હેતલભાઈ અને સુરેશભાઇ દ્વારા ત્યાં આવી તેઓને કવર આપી “આ કવરમાં ચેક છે.

4 વાગ્યે સાહેબ આવશે ત્યારે ફોટો પાડીને વિતરણ કરશે. કોઈ આ કવર ખોલશો નહીં.” તેમ જણાવી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઘણો સમય થવા છતાં કોઈ ન આવતા ઓફિસમાં જઈ તપાસ કરતા ત્યાં પણ કોઈ ન હતું. ત્યારબાદ બધા દ્વારા કવર ખોલી જોતા અન્ય વ્યક્તિનાં નામ વાળા ચેકની કલર ઝેરોક્ષ પર રૂ. 5,00,000 લખેલ જોવા મળેલ. તમામને પોતા સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા બંને ઇસમોને ઘરે જતા તેઓ ન મળતા 15 વ્યક્તિઓ પાસે રૂ. 15,000 થઈ કુલ રૂ.2,25,000 ની ઠગાઈ કરી ફરાર થઈ જવાથી માંડવી પોલીસ પોલીસ સ્ટેશન ખાતે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...