સાગર ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરતી મહિલા વેપારી પાસેથી દલાલ અને વેપારીઓએ ઉધારમાં કાપડ લઇને રૂપિયા નહીં ચૂકવી 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સિંગણપોરમાં કોઝવે રોડ પર રમણપાર્ક સોસાયટીમાં રહેતા મમતાબેન જયેશભાઈ વાછાણી સલાબતપુરામાં સાગર ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. પહેલાં તેમના પતિ વેપાર કરતા હતા. મમતાબેન વાછાણીના પતિ જયેશભાઇનું મે 2021માં કોરોનાના કારણે અવસાન થયું હતું.પહેલી જુનથી તમામ કારોબાર મમતાબેને હાથમાં લઈ પોતે વેપાર કરવા લાગ્યા હતા.
તે સમયે તેમની દુકાને કાપડ દલાલ પ્રફુલ અગ્રવાલ અને પરેશ તમાકુવાલા નામનો દલાલ આવ્યો હતો. બંનેએ પોતપોતાની વેપારી પાર્ટીઓ નિતિન હીરાભાઈ બારૈયા( ભુમિ ક્રિએશનના પ્રોપ્રાયટર, ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ, ઉમરવાડા,સલાબતપુરા) અને સંતોષ અર્જુન પાટીલ(લક્ષ્મી ફેશનના પ્રોપ્રાયટર, ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ,ઉમરવાડા, સલાબતપુરા)ની મમતાબેન સાથે મુલાકાત કરાવી હતી. બંનેને ઉધારમાં માલ આપશો તો સમય પર પેમેન્ટ કરી દેવાનો વાયદો બંને વેપારીઓએ કર્યો હતો. બંને દલાલોએ વિશ્વાસ અપાવ્યો હતો કે જો વેપારીઓ રૂપિયા નહીં ચૂકવશે તો તેઓ પોતે ચુકવશે.
તેથી મમતાબેને દલાલ પ્રુફલની પાર્ટી નિતિનને 8.71 લાખ રૂપિયાનું કાપડ ઉધારમાં આપ્યું હતું. દલાલ પરેશની પાર્ટી સંતોષ પાટીલને 11.33 લાખ રૂપિયાનું કાપડ અપાવ્યું હતું. તમામે તેનું પેમેન્ટ કર્યું નહતું. મમતાબેને બંને દલાલોને ફોન કરતા તેઓએ મમતાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મમતાબેને ચારેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.