ભાગીદારીમાં એમ્બ્રોઈડરીનું ખાતુ શરૂ કરવાના બહાને પિતરાઇ બહેન પાસે મિલકત પર રૂ.1.04 કરોડની લોન લેવડાવ્યા બાદ કારખાનું શરૂ કર્યાનું જણાવ્યા બાદ બારોબાર મશીનરી વેચી મારી છેતરપિંડી કરનાર પિતરાઇ ભાઇ સામે વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે.
મૂળ ભાવનગરના વતની અને હાલ વરાછામાં રહેતા ભરતભાઇ ડોંડા રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. વર્ષ 2019માં ભરતભાઇના પત્ની ગીતાબેનના ફોઇનો દિકરો અશોક ઝીણા મિયાણી (રહે,મોટા વરાછા) તેમની પાસે આવ્યો હતો.અને ભાગીદારીમાં એમ્બ્રોઈડરીનું કારખાનું શરૂ કરવાની વાત કરી હતી. અને દર મહિને રૂ.1 લાખની આવક થવાની લાલચ આપી હતી. આથી ગીતાબેને પોતાનું મકાન, પ્લોટ સહિતની મિલ્કત પર યુનિયન બેંકમાંથી રૂ.78,00,000ની લોન લઇને માધવી ક્રિઍશનના નામે ધંધો શરૂ કર્યો હતો.
બાદમાં અશોકે ધંધામાં નાણાની જરૂર હોવાનું કહેતા ગીતાબેને પતિ, પુત્ર અને દિકરાની વહુના પર્સનલ એકાઉન્ટમાંથી લોન લઇને બીજા રૂ.9,80,000ની રકમ આપી હતી. આ નાણાથી અશોકે એમ્બ્રોઈડરી મશીન ખરીદીને એ.કે રોડ વિસ્તારમાં મૂક્યા હતા.જે વેચીને આરોપી ફરાર થઈ ગયો હતો.
ધંધો સેટ થતા 6 મહિના થશે એવું કહ્યું હતું
આરોપીએ મહિને 1 લાખની આવક થવાની લાલચ આપી હતી. ધંધો શરૂ થયા પછી ગીતાબેને અશોક પાસે નફાની માંગણી કરતા અશોકે 6 મહિના ધંધો સેટ થતા લાગશે એમ કહ્યું હતું. 4 મહિના થયા છતાં નફો નહીં આપતા ગીતાબેને અશોકના પિતા ઝીણાભાઇને વાત કરી લોન લીધી છે, એ ભરીને અમારી મિલકત છૂટી કરી આપો.
દરમિયાન બેંકમાંથી લોનના હપ્તાની ઉધરાણી શરૂ થઇ ગઇ હતી. બે મહિના સુધી બેન્ક હપ્તા ભર્યા બાદ અશોક ગાયબ થઇ ગયો હતો. ગીતાબેને કારખાને જઇ તપાસ કરતા અશોકે મશીનરી બારોબાર શૈલેષ ભાયાણી, ભરત સાવલીયા અને નિલેશ કથિરિયાને વેચી માર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.