મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ દોરી ખૂબ જ ઘાતક પુરવાર થાય છે. ઘણા ખરા કિસ્સાઓમાં ચાઈનીઝ દોરીના કારણે વાહન ચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો છે. જેને લઇને સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ ફાનસનું વેચાણ કરવું નહીં. જોકે, સુરતમાં ઓનલાઈન ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચારને ઝડપી પાડવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયાથી ગ્રાહકો સુધી પહોંચતા
સુરત પોલીસને જીવદયા સંસ્થાના કેટલાક વ્યક્તિઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ચાઈનીઝ દોરીનું વેચાણ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સલાબતપુરા અને ઉધના વિસ્તારની અંદર ચાઈનીઝ દોરી વેચનારને ઝડપી પાડ્યા છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. સોશિયલ મીડિયા ઉપર આ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પોતાની વેચાણની જાહેરાતો મુકતા હોય છે જેને લઈને ગ્રાહકો સાથે સંપર્ક સરળતાથી થઈ જાય છે.
અલગ અલગ ત્રણ વિસ્તારમાં ગુના નોંધાયા
સુરતના સી ડિવિઝનના એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે મળેલી માહિતીના આધારે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ કરતા હોય તેવા ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉધના પોલીસ સ્ટેશનની હદમાંથી 30 ફીરકી પકડાઈ છે અને સલાવતપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી 23 ફીરકી કબજે કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાંથી 10 જેટલી ફીરકીઓ ઝડપી પાડવામાં આવી છે. કુલ ચાર જેટલા આરોપીઓને પણ ચાઈનીઝ દોરી સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચાઈનીઝ દોરીની માહિતી પોલીસને આપીએ છીએ
જીવદયા સાથે સંકળાયેલા તીર્થ શેઠે જણાવ્યું કે અમે સતત ઓનલાઈન ઉપર ચાઈનીઝ દોરીના વિક્રેતાઓનો સંપર્ક કરીએ છીએ અને એ દોરી વેચાણ માટે જે તે વિસ્તારમાં આવતા હોય ત્યારે અમે આ બાબતની પોલીસને જાણ કરી દઈએ છીએ. ગઈકાલે પણ અમે પોલીસ સાથે સંપર્કમાં રહીને કેટલાક ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને પોલીસના હાથે ઝડપી પડાવ્યા છે. હજી પણ મકરસંક્રાંતિ સુધી અમે આ પ્રકારે પોલીસને જેટલી પણ અમારી પાસે માહિતી આવશે એટલી માહિતી આપીને જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે તેમની સામે કામ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.