ચૂકાદો:શિક્ષકના હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદ, 2015માં હત્યા કરાયેલી લાશ ગોડાદરામાં મળી હતી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • 6 વર્ષ પૂર્વે આડાસંબંધનો વહેમ રાખી કરાયેલી હત્યામાં ચૂકાદો

છ વર્ષ જુના એક હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. વર્ષ 2015માં ગોડાદરા રેલવે ફાટક પાસેથી ‌એક ‌શિક્ષકની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ હત્યા કેસમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું મૃતક શિક્ષક જે શાળામાં ભણાવતા હતા ત્યાં એક ‌વિદ્યાર્થીની માતા સાથે તેમના સંબંધ હોવાનું ‌‌વિદ્યાર્થીના ‌પિતાને વહેમ જતા હત્યા કરાઇ હતી. તા.11-6-2015ના દિવસે લિંબાયતમાં રહેતા ‌શિક્ષક ર‌વિન્દ્ર પંડીત પાટીલ સાંજે 7 વાગ્યે તેમના ‌મિત્રને મળવા માટે ઘરેથી ‌નિકળ્યા બાદ મોડી રાત સુધી પરત ફર્યા ન હતા. છેવટે ગોડાદરા રેલવે ફાટક પાસેથી ‌શિક્ષકની હત્યા કરાયેલી લાશ મળી હતી.

લાશ ર‌વિન્દ્રની હોવાનું એડવોકેટ ‌જિતેન્દ્ર જશવંત પાટીલે ઓળખી બતાવી હતી. ‌જિતેન્દ્ર જશવંત પાટીલના ર‌વિન્દ્ર પંડીત મામા સસરા હતા. લિંબાયત પોલીસમાં ગુનો નોંધાયો હતો.પોલીસ તપાસમાં હકીકત મળી કે, આરોપી ભાઉ સાહેબ સખારામ પાટીલનો પુત્ર જ્યાં ભણતો હતો તે શાળામાં ર‌વિન્દ્ર ‌શિક્ષક હોય અને ભાઉ સાહેબની પત્ની સાથે ર‌વિન્દ્રના સંબંધ હોવાનો ભાઉ સાહેબને વહેમ હતો. દરમિયાન ભાઉસાહેબે તેની ઓફીસમાં કામ કરતા અ‌‌ધિકાર ‌હિલાલ પાટીલ, હરીન્દર માર્કન્ટ રાજભર, રામચંદ્ર ઉર્ફે ગાવઠીને બોલાવી 30 હજારમાં ર‌વિન્દ્ર પાટીલની હત્યા કરી નાંખવાનું નક્કી કર્યું હતું.

બાદ ર‌વિન્દ્રને ગઇ 11-6-2015-ના રોજ ગેસ ગોડાઉન ઉપર બોલાવીને નાયલોનની દોરીથી ફાંસો આપી તેમજ રેમ્બો છરા વડે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ લાશને એક ટેમ્પોમાં મુકી રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી. આ કેસમાં એડી.સેશન્સ જજ ડી.પી.ગોહીલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે એપીપી આર.પી.ડોબરીયા તેમજ મુળ ફ‌રિયાદી તરફે એડવોકેટ ‌સિદ્ધાર્થ કટયારે ધ‌ર્મિષ્ઠા પટેલે હાજર રહી દલીલો કરી હતી. સાંયોગીક પુરાવા ઉપર આધાર રાખતા આ કેસમાં કોર્ટે દરેક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી મુખ્ય આરોપી ભાઉ સાહેબ સ‌હિત ચારેય આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...