• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Unmarried And Forced To Live In An Old Age Home In Surat Instead Of Brother in law's House, The Family Also Did Injustice To Nature.

વામનકદ મહિલા માટે અભિશાપ:લગ્ન ન થયાં ને ભાઈ-ભાભીના ઘરની જગ્યાએ મહિલા સુરતમાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર, કુદરતની સાથે પરિવારે પણ અન્યાય કર્યો

સુરતએક મહિનો પહેલા
  • ઘરની જગ્યાએ મહાનગરપાલિકાના ટોઇલેટ પાસે રહેતી મહિલાને સંસ્થા પોતાના વૃદ્ધાશ્રમમાં લઈ આવી
  • ભાભીએ કહ્યું-અમે રાખવા તૈયાર છીએ પરંતુ અમારા પર ખોટા આક્ષેપ કરે છે અને સાથે રહેતાં પણ નથી

જીવનની છેલ્લી સંધ્યાએ પહોંચેલા દરેક વૃદ્ધને તેના પરિવાર સાથે રહેવાની ઈચ્છા હોય છે. પરંતુ આજે જનરેશન ગેપ કહો કે વિચારોની મતભેદતાના કારણે પરિવારનો માળો વિખેરાઈ રહ્યો છે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની એક વામન કદ (ઠીંગણી) મહિલાની સાથે કુદરતે તો પૂરતી ઊંચાઈ ન આપીને અન્યાય કર્યો જ પરંતુ પરિવારે પણ અન્યાય કર્યો હોય તેમ મહિલા હાલ લગ્ન ન થયાં હોવાથી ભાઈ-ભાભીની સાથે રહેવાની જગ્યાએ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બની છે. સંસ્થા દ્વારા તેમની સારવાર કરાવવાની સાથે સાથે રહેવા-જમવાની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. જો કે, આ વામન કદની મહિલાની ભાભીએ કહ્યું કે, અમે તો સાથે રાખવા માગીએ છીએ પરંતુ તેઓ સતત ઘર બહાર ભાગી જાય છે. અમારે શોધખોળ કરવી પડે છે. અમે લાવવા માગીએ છીએ પણ એ આવવા તૈયાર નથી અને અમારા પર આક્ષેપો કર્યા કરે છે.

કુદરતે અન્યાય કર્યો
મૂળ મહારાષ્ટ્રના ઘરગાંવના વતની સવિતાબેન બાબુલાલ મુંડેનો જન્મ તેમના કહેવા પ્રમાણે આનંદ ચૌદશે થયો હતો. તેમની ઉંમર કેટલી હશે તે પણ હવે તેમને યાદ નથી. પરંતુ અંદાજે 50 વર્ષ આસપાસ ઉંમર હોવાનું તેમના દેખાવ પરથી લાગે છે. તો ઊંચાઈ પણ 42 ઈંચ એટલે કે સાડા ત્રણ ફૂટની છે. ઊંચાઈ ઓછી આપવાની સાથે કુદરતે તેના પર વધુ એક અન્યાય કર્યો હોય તેમ તેમને બાળપણમાં પીઠના ભાગે ખૂંધ નીકળી હતી. જેના કારણે તેમને આંચકીઓ પણ સતત આવે છે અને બીમાર વધુ રહે છે.

સવિતાબેનની રમવા ભમવાની ઉંમરે જ પિતા બાબુલાલનું અવસાન થયું હતું.
સવિતાબેનની રમવા ભમવાની ઉંમરે જ પિતા બાબુલાલનું અવસાન થયું હતું.

કદના કારણે લગ્ન ન થયાં
સવિતાબેનના પિતા બાબુલાલ મુંડે મહારાષ્ટ્રથી સુરત આવી ગયા હતા. પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું. સવિતાબેનની રમવા ભમવાની ઉંમરે જ પિતા બાબુલાલનું અવસાન થયું હતું. જેથી દાદીએ જ મોટા સવિતાબેન અને તેના નાના ભાઈ કૈલાસને ઉછેરીને મોટા કરતાં હતાં. પરંતુ સવિતાબેનને નાની જ ઉંમરમાં લોકોના ઘરે ઘરે જઈને કામ કરવાની ફરજ પડી હતી. આટલું ઓછું હોય તેમ ખૂંધની બીમારી થઈ તેમ છતાં નાના ભાઈ અને પરિવાર માટે કામ કરવું પડતું હતું. ઠીંગણાપણા અને કુરૂપ હોવાના કારણે લગ્ન ન થયાં અને આજીવન વેઠ ઉતારવાની ફરજ પડી હતી.

ઉધનાના સોશિયલ સર્કલ પાસેના શૌચાલયની બહાર ભિક્ષુક જેવી જિંદગી ગાળી રહ્યાં હતાં.
ઉધનાના સોશિયલ સર્કલ પાસેના શૌચાલયની બહાર ભિક્ષુક જેવી જિંદગી ગાળી રહ્યાં હતાં.

ઘરમાંથી કાઢી મુકાયાં
ઉધના હરીનગરમાં રહેતાં સવિતાબેન મુંડેએ માતા-પિતા ગુજરી ગયાં બાદ તેમનાં ભાઈ-ભાભીએ ધ્યાન ન આપતાં ઠીંગણાપણાના કારણે લગ્ન થયાં ન હતાં. ભાઈ-ભાભી સાથે બનતું ન હોવાને કારણે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં અને તેને લઈને તેઓ ઉધનાના સોશિયલ સર્કલ પાસે આવેલા શૌચાલયની બહાર ભિક્ષુક જેવી જિંદગી ગાળી રહ્યાં હતાં. લોકો પાસેથી મળે એ જમવાનું જમીને તેઓ ત્યાં જ રહેતાં હતાં. જ્યાં નજીકની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ શહેરના ડીંડોલી વિસ્તારના મહાવીરનગર-1 માં ચાલતા લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓલ્ડ એઈજ હોમમાં જાણ કરી હતી. તેમને સંસ્થાના કાર્યકરો વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યાં હતાં. તેમના પરિવારે તેમને સ્વીકારવાની ના પાડતાં તેઓ હાલ અહીં જ આશ્રિત બન્યાં છે.

લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી.
લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી.

વૃદ્ધાશ્રમ વહારે આવ્યું
ઓલ્ડ એજ હોમ ચલાવતા લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના અનિલભાઈએ કહ્યું કે, દોઢ વર્ષ અગાઉ સોશિયલ સર્કલ પાસેથી અમે સવિતાબેનને લાવ્યાં હતાં. તેઓ અન્ય 105 પ્રભુજી સાથે હાલ અમારી સાથે જ રહી રહ્યાં છે. અમે તેમની સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના ઠીંગણાકદ અને રૂપ સારું ન હોવાને કારણે તેમનાં ભાઈ-ભાભીએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. મિડલ ક્લાસ ફેમિલી હોવા છતાં પણ અમે જ્યારે તેમના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે પરિવારે તેમને સ્વીકારવાની ના પાડી હતી. તેમનાં ભાઈ-ભાભીએ આ બહેનને લેટ્રીન - બાથરૂમની સમસ્યા હોવાનું કહ્યું હતું . જો કે અમે તેની સારવાર પણ કરાવી છે અને પરિવારને ફરીથી જાણ કરી હતી. જો કે ત્યારે પણ તેમણે સ્વીકારવાની ના પાડી હતી. હાલ તેઓ અમારી સાથે જ રહે છે.

ઠીંગણાપણા અને કુરૂપ હોવાના કારણે લગ્ન ન થયાં
ઠીંગણાપણા અને કુરૂપ હોવાના કારણે લગ્ન ન થયાં

વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારવા મજબૂર
સવિતાબેને જણાવ્યું હતું કે, અહીં જ હવે રહેવું છે. મરવું તો ઘરે પણ છે અને અહીં પણ, તો અહીં જ જીવન વિતાવીને મરીશ. અહીં મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીં રહેવા-જમવાનું સારું મળે છે. હું અહીં આરામથી જીવન ગુજારું છું. મારે હવે કંઈ બાકી રહેતું નથી. હું હવે અહીં જ રહીશ. અહીં થાય તેટલું કામ કરું છું. કચરા-પોતાં કરવાની સાથે સાથે મારા જેવા અન્ય લોકોની પણ સેવા કરું છું. અહીં અમે તહેવારો ઊજવીએ છીએ. રોજે રોજ ભજન-કીર્તન કરીએ છીએ.

વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારવા મજબૂર.
વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારવા મજબૂર.

અમારા પર ખોટા આરોપ મુકાય છે
સવિતાબેનનાં ભાભી રમીલાબેને જણાવ્યું હતું કે, અમારા પર તે ખોટા આરોપ મૂકે છે. અમે તેમને ઘરમાંથી નથી કાઢી મૂક્યાં. પરંતુ અમે તો તેમની સેવા કરતાં હતાં. ઘરેથી અવાર નવાર અમને કહ્યાં વગર જતાં રહ્યાં હતાં. અમારે શોધવા જવું પડતું હતું. હું પણ કારખાનામાં સાફસફાઈ કરવા જાઉં છું. હું થાકીને આવું. મારી તબિયત સારી રહેતી નથી. તેમ છતાં અમે તેમને સાથે રાખવા તૈયારી છીએ. મારી દીકરીનાં લગ્ન થઈ ગયાં છે. મારે એક દીકરો પણ છે. અમારું પરિવાર તેમને મળવા જાય છે. હું નથી ગઈ. મારા પતિ સહિતના તેમને આવવા કહે છે. પરંતુ તેઓ આવતાં નથી. ઊલટાના અમારા પર આક્ષેપ કરે છે. જે યોગ્ય નથી. અમને બદનામ કરવા તેઓ પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...