તસ્કરો ઝડપાયા:સુરતમાં નવા વર્ષે જ બે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ, રૂપિયા ન નીકળતા મશીનોમાં તોડફોડ કરી હતી

સુરત20 દિવસ પહેલા
ATMમાંથી નાણા ન ઉપડતા બે મશીનોમાં તોડફોડ કરી.
  • ATM મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજો તથા એસ.એન.જી. લોક તોડી નાખવામાં આવ્યું હતું

નવા વર્ષની મધરાત્રે પાંડેસરા બાટલીબોય સર્કલ અને પીયૂષ પોઇન્ટ પાસે બે ATM મશીનોમાં ચોરીના ઇરાદે તોડફોડથી પોલીસને દોડતી કરી દેનાર ત્રણની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ATMમાંથી રૂપિયા નહીં નીકળતાં મશીનની તોડફોડ કરી હોવાનું ઝડપાયેલાં આરોપીઓએ કબૂલાત કરી હતી.

ફાયર એસ્ટિન્ગ્યુશરથી મશીનનો દરવાજો તોડ્યો હતો
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, હીટાચી કંપનીના એ.ટી.એમ. મશીનની જાણવણીનો કોન્ટ્રાક્ટ ધરાવતી અદ્વૈત ટીઝર્વના ચેનલ એક્ઝિક્યુટિવ જયેશ ચૌધરીને નવા વર્ષના મળસ્કે પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ઐયપ્પા કોમ્પ્લેક્સના ICICI બેન્કનાં ATM મશીનમાં તોડફોડ થઈ હોવાની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ATM મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજો તથા એસ. એન.જી. લોક તોડી નાખવામાં આવ્યું હતું.

એક મશીનમાં તોડફોડ કર્યાના એક કલાક બાદ અન્ય મશીનમાં તોડફોડ કરી.
એક મશીનમાં તોડફોડ કર્યાના એક કલાક બાદ અન્ય મશીનમાં તોડફોડ કરી.

સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી
રાત્રે 3:21 વાગ્યે આ મશીનની તોડફોડ કરીને ભાગેલા ત્રણ શખ્સો એ એક કલાક પછી એટલે કે 4:30 વાગ્યે પીયૂષ પોઇન્ટ પાસે આવેલાં એક્સિસ બેન્કનાં ATM મશીનના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. ચોરીના ઇરાદે એક જ રાતમાં બે ATM મશીનની તોડફોડની ઘટનાએ પોલીસને પણ દોડતી કરી દીધી હતી.

ICICI બેન્કના મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી.
ICICI બેન્કના મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓ ઝડપાયા
વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ તથા ઇનપુટને આધારે પોલીસે કુલદીપ દ્વારકા પ્રસાદ મિશ્રા, અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને આકાશ ઉર્ફે નીક પ્રભાકરનામ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. કુલદીપ પોતાના બંને મિત્રો સાથે મધરાત્રે ATMમાં નાણાં ઉપાડવા ગયો હતો, પરંતુ નાણાં નહીં નીકળતાં ત્રણેયે ગુસ્સામાં મશીનની તોડફોડ કરી હતી. આ ત્રણેય નશામાં હતા કે કેમ તે પણ પોલીસ ચકાસી રહી છે. સબ ઇન્સ્પેક્ટર એ.જી. રબારી વધુ તપાસ કરી રહ્યા છે.