કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં ઉછાળો, નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 61 થયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205110 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સતત ચોથા દિવસે વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 96 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 61 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 5 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

શહેરમાંથી ચાર વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા 12 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી 10થી વધુ કેસ સામે આવી રહ્યા છે. શહેરમાંથી 4 દર્દી જ્યારે જિલ્લામાંથી 1 દર્દી કોરોનામુક્ત બન્યા છે.

202810 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205110 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202810 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

પાલિકા દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ હંમેશા પરિસ્થિતિ વિપરીત થાય તે પહેલા તેને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી કરવામાં સતર્ક રહે છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે.