પાલિકા દ્વારા સપ્ટેમ્બરમાં યોજાનારી સંજીકકુમાર નાટ્ય સ્પર્ધામાં પહેલી વખત એક એવું નાટક ભજવાશે જેના તમામ કલાકારો મહિલા છે. દિગ્દર્શકે જણાવ્યાનુસાર, ગુજરાતમાં એવું પહેલીવાર બનશે જ્યારે કોઇ ડ્રામાના તમામ કલાકારો મહિલા હોય. અગાઉ એકાંકી નાટકોમાં એવું બન્યું છે પણ સ્ટેજ પર આવું કોઈ નાટક આજ સુધી ભજવાયું નથી. ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેજસ ટેલરનું નાટક ‘ધ ઓથર ક્લબ’માં કુલ 9 કેરેક્ટર છે.
તમામ કેરેક્ટર મહિલાઓ જ ભજવશે. તેજસે કહ્યું કે, 8થી 10 વર્ષ પહેલા તેમણે એક એકાંકી જોઈ હતી જેમાં બધા જ કલાકારો મહિલા હતા. ત્યારથી જ એમના મનમાં આવું કઈંક કરવાનું ચાલતું હતું. તેઓ કહે છે કે, મારી પાસે કોરોના પહેલા જ આ સ્ક્રિપ્ટ હતી. પરંતુ કોવિડ આવી જતા આ નાટક ભજવાયું ન હતું. આ સ્ટોરી વિલોપન દેસાઇએ લખી છે. શરૂઆતમાં આ મર્ડર મિસ્ટ્રી સ્ટોરી મિક્સ કેરેક્ટર માટે લખાઈ હતી. જોકે, ડાયરેક્ટરે લેખકને વાત કરતા તેમણે કેરેક્ટર પ્રમાણે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની છૂટ આપી હતી. જેથી તમામ પુરુષ કેરેક્ટરને મહિલા કેરેક્ટર સાથે રિપ્લેસ કરાઈ દેવાયું હતું.
ત્રણ અનુભવી, જ્યારે 6 કલાકારો નવા
આ પ્લેમાં ડાયરેક્ટર-પ્રોડ્યુસર, રાઇટર અને મ્યુઝિશિયન જ મેઇલ છે. બાકી મેકઅપ આર્ટિસ્ટથી લઈને કોસ્ચ્યુમ ડિઝાઇનર સુધીના તમામ લોકો મહિલા છે. મહિલા કલાકારોમાં કોઈ ડોક્ટર, કોઈ વિદ્યાર્થી, કોઇ સિંગર, કોઇ ટીચર તો કોઇ પ્રોફેશનલ એક્ટ્રેસ છે. જેમાં ત્રણ કલાકારો અનુભવી છે અને બાકીના 6 પણ નાના-મોટા રોલ ભજવી ચુક્યા છે.
આર્ટિસ્ટોને ફાઇનલ કરવામાં મુશ્કેલી આવી
પ્લેના ડાયરેક્ટર તેજસ ટેલરે જણાવ્યું હતું કે, આ નાટકને તૈયાર કરવામાં આર્ટિસ્ટોને ફાઈનાલાઇઝ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. રિહર્સલમાં અમુક સંજોગોમાં કોઈ કલાકાર ન આવે તો એને રિપ્લેસ કરવા માટે અમારી ટીમના 2 પુરુષો એમના કેરેક્ટર નિભાવતા હતા. જેથી હાજર કલાકારોની પ્રેક્ટિસને કોઈ નુકસાન ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.