રાજ્ય સરકારની 108ની એર એમ્બ્યુલન્સમાં પ્રથમ વખત સુરતના વૃદ્ધ દર્દીને માત્ર 58 મિનિટમાં ભાવનગરથી સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. ભાવનગરમાં સામાજિક પ્રસંગમાં ગયેલા ઘોડદોડ રોડના વૃદ્ધને બ્રેઈન સ્ટ્રોક આવતા ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત લવાયા છે. ભાવનગરથી એરપોર્ટ 15 મિનિટમાં, ટ્રાવેલિંગ 26 મિનિટ અને સુરત એરપોર્ટથી હોસ્પિટલ સુધીમાં 17 મિનિટ લાગી હતી.
ઘોડદોડ રહેતા 36 વર્ષીય કાનજી સંસપરાની સામાજિક પ્રસંગમાં ભાવનગર ખાતે તબિયત લથતાં તેમને ભાવનગરની BISM હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં બ્રેઈન સ્ટ્રોક નિદાન થતાં સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર જણાતાં 108 પર સંપર્ક કરાયો હતો. આખરે સરકારી એરએમ્બ્યુલન્સમાં પહેલીવાર દર્દીને સુરતની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરાયા હતા.
સુરત એરપોર્ટ પરથી વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ ખસેડાયા
સુરત 108ના અધિકારી રોશન દેસાઈએ જણાવ્યું કે સરકારી એરએમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને બહારથી સુરતમાં કોઈ દર્દીને પ્રથમ વખત શિફ્ટ કરાયા છે. શનિવારે એરપોર્ટ ઓથોરીટીએ જાણ કરી હતી કે એક ક્રિટિકલ દર્દી સુરત એરપોર્ટ છે તો તાત્કાલિક એએલએસ (વેન્ટીલેટર)વાળી એમ્બ્યુલન્સની જરૂર છે જેથી ટીમને રવાના કરી હતી. એરપોર્ટ ખાતેથી દર્દીને વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનીટર કરી ફિઝીશ્યન સાથે કોન્ટેક્ટમાં રહી દાખલ કરાયા છે.
એક માત્ર એર એમ્બ્યુલન્સ અમદાવાદમાં સ્ટેન્ડ બાય
ખાનગી એર એમ્બ્યુલન્સમાં પ્રતિ કલાકના 1.30થી 1.50 લાખ જેટલો ખર્ચ થાય છે. જ્યારે ગુજસેલની એરએમ્બ્યુલન્સમાં કલાકના માત્ર 50 હજાર જ ચાર્જ થાય છે. હાલ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદમાં સ્ટેન્ડ બાય રહે છે અને જરૂર પડ્યે મોકલવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.