શહેરમાં 2 લાખ રખડતા કૂતરાંઓ છે. દર વર્ષે આ સંખ્યા સાથે ડોગ બાઇટના કેસો વધતા મહાપાલિકાએ વર્ષે 20 હજાર કૂતરાંનાં ખસીકરણ માટે હૈદરાબાદની વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેરને કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ પાસે મંજૂરી માંગી છે. જોકે, કૂતરાંદીઠ એજન્સીએ રૂા.1450નો ભાવ આપ્યો છે. જે ગણતરીએ 20 હજાર કૂતરાંના ખસીકરણ પાછળ 2.90 કરોડનો ખર્ચ થશે.
2017થી આ એજન્સી રૂા.839ના ભાવમાં કામ કરી રહી હતી. હવે ભાવમાં અધધ રૂા. 611નો વધારો કરી દીધો છે. ઓકટોબર 2020માં સમયમર્યાદા પૂર્ણ થતાં ટેન્ડરિંગ ન થાય ત્યાં સુધી કામ ચાલુ રાખવા ડિપાર્ટમેન્ટે એજન્સીને સંમતિ આપી હતી. ગુરુવારની સ્ટેન્ડીંગ કમિટિમાં શું નિર્ણય લેવાય તે જોવું રહ્યું. નોંધનીય છેકે, ત્રીજા પ્રયાસમાં ત્રણ ટેન્ડર આવ્ય હતા. જેમાંથી બે ટેન્ડર ક્વોલીફાઇ ન થતાં રદ કરાયા છે.
7 વર્ષમાં 43791નું ખસીકરણ: વર્ષે 60 હજાર ડોગબાઇટ
મહાપાલિકાએ 7 વર્ષમાં 43,791 કૂતરાંના ખસીકરણ પાછળ 3.47 કરોડ ખર્ચ કર્યો છે. છતાં ડોગ બાઇટના કેસ ઘટ્યા નથી. શહેરમાં રોજ 50 કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં દર વર્ષે વધારો થાય છે. 2017માં કુલ 50000, 2018માં 54000 અને 2019માં 60000 ડોગબાઇટના કેસ નોંધાયા હતા.
રાજકોટમાં થતું ખસીકરણ રાજ્યમાં સૌથી મોંઘુ!
2017થી હૈદરાબાદની કંપની ખસીકરણ સાથે સારવાર આપવા સુધીનો કૂતરા દીઠ 839ના ભાવે કામ કરી રહી છે. 2017 પહેલા 795 રૂપિયાના ભાવે ખસીકરણ થતું હતું. અમદાવાદમાં રૂા.900, વડોદરામાં રૂા.1050 અને રાજકોટમાં રૂા.1850ના ભાવે એક કૂતરા પાછળ ખસીકરણનો ખર્ચ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.