ભેદ ઉકેલાયો:સુરતમાં કારને આંતરી દાદા-પુત્ર પૈકી પુત્રની આંખમાં મરચુ નાંખી 15 લાખની લૂંટ કરનાર બે ઝડપાયા

સુરત6 મહિનો પહેલા
લૂંટ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
  • દુકાન વેચાણના રૂપિયા ઘરે લઈ જતા હોવાની માહિતી આપી લૂંટ કરવામાં આવી હતી

સુરતના સિટીલાઇટ રોડ ઉપર સાયન્સ સેન્ટર પાસે વેગનઆર કારને આંતરીને દાદા-પુત્ર પૈકી પુત્રની આંખમાં મરચુ નાંખી 15 લાખની લૂંટ કરનાર બેને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ તેમજ દાગીના મળી 6.86 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ડીસીબીના હાથે ઝડપાયેલા આરોપી સાડીની દલાલી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

વેપારી રકમ લઇ જતા સમયે લૂંટ કરવાનું કાવતરું ઘડ્યું હતું
ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, દેવેન્દ્ર ઉર્ફે બંન્ટી શર્માનો ભાઇ પશુપતી માર્કેટમાં મુકેશભાઇ રાઠી નામના વેપારીની દુકાનમા નોકરી કરે છે. મુકેશભાઇ રાઠીએ અન્ય વેપારી પશુપતી માર્કેટમા એક દુકાન ખરીદી હતી. જેના બાનાની રકમ અપાઇ ગઇ હતી. બાકીની રક્મ મહીના પછી રોકડમાં આપવાની હતી. આ રકમ મુકેશ રાઠી દુકાન વેચનાર વેપારીને આપે પછી વેપારી રકમ લઇ પોતાના ઘરે જવા નીકળશે. ત્યારે દેવેન્દ્રનો ભાઇ દેવેન્દ્રને ફોન કરી વેપારીના માર્કેટમાંથી ફોન પર માહીતી આપે ત્યારે પૈસા લઇ જનાર વેપારીની ગાડી રસ્તામા રોકી તેની પાસેની રોકડ રકમની લૂંટ કરવાનું આયોજન ઘડાયું હતું.

આરોપીઓને પહેલા બે દિવસ લૂંટની સફળતા મળી ન હતી.
આરોપીઓને પહેલા બે દિવસ લૂંટની સફળતા મળી ન હતી.

કાર ચાલકના આંખમા મરચાની ભૂકી નાખી લૂંટ કરી
યોજના માટે દેવેન્દ્રએ ગામથી પોતાના મીત્ર ગૌરવ મનોહર બનકર નામના ઇસમને પણ સુરત બોલાવ્યો હતો. તા. 24-25 નવેમ્બરના રોજ શોપ વેચનાર વેપારી રકમ લઇ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ આરોપીઓ તેને રસ્તામાં આતરી શક્યાં ન હતા. જેથી 26મીના રોજ પશુપતી માર્કેટમાંથી દુકાન વેચનાર વેપારી પોતાની ગાડીમા રકમ લઇ નીકળ્યા હોવાની હકીકત દેવેન્દ્રએ ભાઇને જણાવતા દેવેન્દ્ર તથા ગૌરવ તથા મોહંમદ આઝમ સાથે પ્લેજર મોપેડ ઉપર વેપારીની રસ્તે રાહ જોઈ રહ્યા હતા. વેપારી પશુપતિ માર્કેટથી ઉમરા ખેતીવાડી ફાર્મથી સાયન્સ સેન્ટર રોડ સુધી પીછો કરી ખેતીવાડી ફાર્મ પાસે વેપારની ગાડીની આગળ પ્લેજર મોપેડ ઉભી રાખી વેપારી તથા તેની સાથે બેસેલા કાર ચાલકના આંખમા મરચાની ભૂકી નાખી વેપારીના કારમાંથી રોકડ રકમ મુકેલી બે જુદી જુદી બેગોની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

કાર આગળ મોપેડ મૂક્યા બાદ લૂંટ ચલાવી હતી.
કાર આગળ મોપેડ મૂક્યા બાદ લૂંટ ચલાવી હતી.

6.86 લાખનો મુદ્દામાલ મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો
26મીની સાંજના આઠ વાગ્યાના અરસામાં સિટીલાઇટ સાયન્સ સેન્ટર પાસે થયેલી લૂંટની ઘટના બાદ ડીસીબીએ સીસીટીવી ફૂટેજને સાથે તપાસ શરૂ કરતાં જ બાતમી મળી હતી કે આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવા ઇશ્વર શર્મા (ઉ.વ.22) તુમસર જી. અકોલા (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી રોકડ રૂ. 4.83 લાખ તેમજ સોનાની ચેન નંગ-1 તેમજ સોનાની વીટી નંગ- 2 તેમજ લૂંટ કરવા માટે ઉપયોગમાં લીધેલ મોપેડ તેમજ મો.ફોન મળી કુલ્લે રૂ. 6.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી મોહંમદ આઝમ મોહંમદ ફારૂક અન્સારી (ઉ.વ. 36)ને ઉધના મેઇન રોડ એપી માર્કેટ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પાસેની બેગમાંથી બેંક ઓફ બરોડાની બે પાસબુક તથા બે ચેકબુક અને મહેસાણા અર્બન કો.ઓ.બેંક.ની ચેમ્બુક તથા એક નોટબુક અને બે ડાયરી અને ફાઇલ/બીલો વગેરેની કબજે કરવામાં આવી હતી. વીવો કંપનીનો મોબાઇલ ફોન સાથેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.