તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • More Deadly For Pregnant Women Corona, Risk To Infants With Pregnant In The Second Wave, Much Needed To Wear A Three layer Mask

એક્સક્લૂઝિવ:ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વધુ ઘાતક, બીજી લહેરમાં ગર્ભવતી સાથે શિશુને પણ જોખમ, ત્રણ લેયરના માસ્ક પહેરવા ખૂબ જરૂરી

સુરત5 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • કૉપી લિંક
  • મહિલા જ્યાં સુધી બાળકને ધાવણ આપે એટલા મહિના સુધી તે વેક્સિન લઈ શકતી નથી
  • ગર્ભવતી મહિલાઓએ ખોટી અફવા અને માન્યતાઓમાં ન આવીને ડોક્ટરની સલાહ લેવી જોઈએ

કોરોના કહેર બીજા તબક્કામાં વધુ ઘાતક જોવા મળી રહ્યો છે. યુવાનો પણ સંક્રમણથી સુરક્ષિત રહી શક્યા નથી, તેથી સૌકોઈએ ખૂબ કાળજી લેવાની જરૂર છે, જેમાં ગર્ભવતી મહિલાઓએ વિશેષ કાળજી રાખવાની આવશ્યકતા છે. ગર્ભવતી મહિલાઓએ કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકે છે એ અંગે દિવ્ય ભાસ્કર સાથે સુરતના લવ એન્ડ કેર હોસ્પિટલનાં ડો. દીપ્તિ પટેલ અને ડો. યામિની પટેલે ખાસ વાતચીત કરી ખૂબ જ મહત્ત્વના મુદ્દા પર ગર્ભવતી મહિલાઓને માટે સૂચનો કર્યાં છે.

સવાલઃગર્ભવતી મહિલાઓએ કોરોના સંક્રમણથી બચવા માટે શું કરવું જોઈએ?
જવાબઃ ગર્ભવતી મહિલાઓ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કોરોના સંક્રમણથી બચવા માટે ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. ત્રણ લેયરના માસ્ક પહેરવા ખૂબ જરૂરી છે. હેલ્થી ડાયટ જરૂરી છે. ઘરમાં પણ ફરજિયાત માસ્ક પહેરીને જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

સવાલઃ તાવ, શરદી, ઉધરસ માથાનો દુખાવો કે અન્ય કોરોનાનાં લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ?
જવાબઃ ઉપર મુજબના કોઇપણ લક્ષણ દેખાય તો એને ગંભીરતાથી લેવાની આવશ્યકતા છે. મહિલાએ તત્કાળ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. ઘણી વખત બેથી ત્રણ દિવસ સુધી સામાન્ય તાવ અને ઉધરસ છે. એવી માનસિકતા રાખીને ડોક્ટરને જાણ ન કરવાની બેદરકારી રાખે છે, એવું ગર્ભવતી મહિલાએ ન કરવું જોઈએ. સમયસર ટેસ્ટિંગ કરાવી લેવું જરૂરી છે.

સવાલઃ કોરોના સંક્રમણના બીજા તબક્કામાં ગર્ભવતી મહિલાઓ માટે કેમ વધુ જોખમી છે?
જવાબઃ કોરોના સંક્રમણમાં પહેલા તબક્કામાં ગર્ભવતી મહિલાઓને કોરોના સંક્રમણ થાય તો ગર્ભમાં રહેલા શિશુને એની ઓછી અસર થતી હતી, પરંતુ કોરોના સંક્રમણના બીજા તબક્કામાં બાળકો પણ સંક્રમિત થતાં જોવા મળી રહ્યાં છે. સંક્રમણનું પ્રમાણ વધુ હોય તો ગર્ભવતી મહિલાને ઓક્સિજન કે વેન્ટિલેટરની પણ જરૂરિયાત ઊભી થઈ શકે છે. પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં ફેફસાંઓમાં વધુ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે.

સવાલઃ ગર્ભવતી મહિલાઓ વેક્સિન લઈ શકે છે?
જવાબઃ ગર્ભવતી મહિલાઓ વેક્સિન લઈ શકતી નથી. સરકારે વેક્સિનેશન માટે જે ગાઈડલાઇન્સ આપી છે. એમાં ગર્ભવતી મહિલાઓને હાલના તબક્કે બાકાત રાખવામાં આવી છે. કેનેડા, ઈઝરાયેલ જેવા અનેક દેશોમાં ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવામાં આવે છે; ત્યાં થયેલા રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાને વેક્સિન આપવામાં આવે તો બાળકમાં પણ એન્ટિબોડી ડેવલપ થયેલી જોવા મળી રહી છે, જે ખૂબ સારી બાબત છે. આપણા દેશમાં પણ અત્યારના કોરોના સંક્રમણના જોખમને જોતાં ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન આપવામાં આવે એવી રજૂઆત IMCRને કરી છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ સરકાર વેક્સિનેશનની છૂટ આપે એવી શક્યતા છે, પરંતુ હાલ એ અંગે કંઈ પણ કહેવું ઉતાવળિયું બની રહેશે.

સવાલઃ ગર્ભવતી મહિલા ક્યારે વેક્સિન લઇ શકે?
જવાબઃ ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપ્યા બાદ વેક્સિન લઈ શકે છે. એમાં પણ એક વિશેષ કાળજી રાખવામાં આવે છે કે જ્યાં સુધી બાળકને ધાવણ આપે એટલા મહિના સુધી તે વેક્સિન લઈ શકતી નથી. જો બાળકને છ મહિના, એક વરસ કે દોઢ વર્ષ સુધી જો ધાવણ આપે તો ત્યાં સુધી માતાએ લેવી જોઈએ નહીં. કારણકે વેક્સિનને લઇને હજુ પૂર્ણ અભ્યાસ થયો નથી. ગર્ભવતી મહિલાઓ ક્યારે લઈ શકે એ બાબતે કોઈ સ્પષ્ટતા હજી સુધી થઈ નથી. બાળકનું ધાવણ છૂટી જાય, ત્યાર બાદ જ ગર્ભવતી મહિલાએ વેક્સિન લેવી જોઈએ એવું અમારું માનવું છે.

સવાલઃ ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ હોય તો બાળકને ધાવણ કરાવી શકે?
જવાબઃ કોરોના પોઝિટિવ હોવા છતાં પણ માતા પોતાના બાળકને ધાવણ આપી શકે છે, પરંતુ માતાએ 3 લેયર માસ્ક પહેરીને જ બાળકને પોતાની નજીક ધાવણ માટે લેવું જોઈએ અથવા તો માતાનું દૂધ અલગથી લઈને બાળકને દૂરથી જ આપવું વધારે હિતાવહ છે. માતાના ધાવણથી નવજાત શિશુને કોરોના સંક્રમણનો કોઇ ભય રહેતો નથી, તેથી કોરોના પોઝિટિવ માતા પોતાના શિશુને ધાવણ આપી શકે છે.

સવાલઃ ગર્ભવતી મહિલાઓએ કઈ તકેદારી રાખવી જરૂરી છે?
જવાબઃ ગર્ભવતી મહિલાના ઘરે અન્ય બાળકો હોય તો તેમને બહાર રમવા જવા દેવાથી અટકાવવા જોઈએ. સાતમા આઠમા અને નવમા મહિનામાં જો મહિલા કોરોના પોઝિટિવ થાય તો તેની યોગ્ય સારવાર આપી શકાય છે. એમાં ડરવાની કોઈ આવશ્યકતા નથી. અન્ય કોરોના પોઝિટિવ દર્દીની માફક જ ગાયનેકોલોજિસ્ટના માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર આપી શકાય છે. ગર્ભવતી મહિલાઓએ ખોટી અફવા અને માન્યતાઓમાં ન આવીને દરેક બાબત અંગે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ જ આગળ વધવું જોઈએ.