સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું એમ કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉત્રાણ પોલીસના હવાલે કરી છે. મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ કરવામાં આવી હતી. જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતીક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
સાબુના વેપારીને ઘરે બોલાવ્યો
તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે જણાવ્યુ હતું. તેણે સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન પ્રતીકને બોલાવ્યો હતો. દરમિયાન તે સોનલના ઘરે ગયો ત્યારે અચાનક બહાર બે માણસો આવી ચડ્યા હતા. જે પૈકી ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું.
પતિએ ઘરે આવી સાબુના વેપારીને માર માર્યો
‘મારી પત્ની સાથે શું કરે છે તેમ કહી તેમને માર માર્યો હતો. ત્યાર બાદ તેની સાથે આવેલા જયદીપ ભૂવા અને દેવેન્દ્ર ખેરડિયાએ તેમને એક રૂમમાં પૂરી દીધો હતો અને ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 1.10 લાખમાં સમાધાન થયું હતું. જેમાંથી તેમણે 2500 રૂપિયા પડાવી લીધા હતા.
પહેલાં બે પકડાયા બાદ મહિલાની ધરપકડ
વેપારીએ ચાલાકી વાપરી કાકા હસ્તક પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસ ઘસી ગઇ હતી અને હનીટ્રેપમાં ફસાવનાર બબીતાના પતિ અને અન્ય એકને પકડી લીધા હતા. જ્યારે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે ઉમરા નાગરિક સુવિધા કેન્દ્રની આગળ ઈન્ડોર સ્ટેડિયમ જતા રોડ ઉપર વળાંક પાસેથી સોનલ (મૂળ રહે.નાની વાવડી, તા.ગારિયાધાર, જિ.ભાવનગર)ને ઝડપી પાડી તેનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.