વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સુરતની પાલિકાની તિજોરી સાફ થઇ ગઇ છે. જેથી નવા પ્રોજેકટ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ હાથ ફેલાવવાની નોબત આવી છે. મોટામોટા પ્રોજેકટો ગ્રાન્ટના કારણે વિલંબમાં મુકાયા છે. પાલિકાએ પ્રોજેકટ વાઇઝ ગ્રાન્ટની યાદી બનાવી છે. અંદાજે 1432 કરોડથી વધુની ગ્રાન્ટ માટે હવે પાલિકા રાજ્ય સરકારને પત્ર લખશે. સ્થાનિક ધારાસભ્યો પણ શહેરને ઝડપથી ગ્રાન્ટ મળે તે માટે રજૂઆત કરશે.
મિલકતવેરાની આવકના મર્યાદિત સ્ત્રોત વચ્ચે જકાતની આવક બંધ થયા બાદ બારેક વર્ષથી પાલિકા વિકાસ કામો માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. તાજેતરમાં મોટા-મોટા પ્રોજેકટ મંજૂર કરી દીધા બાદ ગ્રાન્ટ ન મળતા કામ મોડા થઈ રહ્યા છે.
ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે રૂા.170 કરોડ, બરાજ પ્રોજેકટ અંતર્ગત કોઝવેથી ભાઠા સુધી તાપી નદી કિનારે પાળા બનાવવા માટે રૂા.400 કરોડ, સ્મીમેરનું એક્ષ્પાન્શન કરવા માટે રૂા.220 કરોડ, નવા 35 આરોગ્ય કેન્દ્ર બનાવવા 148 કરોડ, તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે 164 કરોડ, શિક્ષણ સમિતિની નવી 46 પ્રાથમિક શાળા અને સુમનની 9 માધ્યમિક શાળા તથા 30 શાળાના રિનોવેશ માટે 350 કરોડની ગ્રાન્ટ માંગશે.
નોંધનીય છે કે, જકાતની આવક બંધ થયા બાદ પાલિકા પાસેથી આવકનો મહત્વનો સ્ત્રોત છીનવાઇ ગયો છે. જકાતની અવેજમાં સરકાર દ્વારા ગ્રોથ મુજબ ગ્રાન્ટ અપાતી નથી. જેને લઇ જકાતની આવક બંધ થવાથી પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.