સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે આઈએસઆઈના એજન્ટ સાથે સાઠગાંઠ ધરાવતા સુરતના યુવાનને ઝડપી પાડ્યો હતો. દીપક સાળુંકે નામનો યુવાન પાકિસ્તાની એજન્સીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મોકલતો હતો. યુવાનના બેંક એકાઉન્ટમાંથી પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા રૂપિયાના રેકોર્ડ પણ મળી આવ્યા છે.
ફેસબુક મેસેન્જર અને વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો
પોલીસ દ્વારા દીપક સાળુંકેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે પોતાના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો. તેને ભારતીય સીમકાર્ડ મેળવી આપવા અને ભારતીય આર્મીની ઈન્ફ્રન્ટ્રી, રેજિમેન્ટ, આર્ટિલરી અને બ્રિગેડની માહિતી મોકલી હતી.
સંવેદનશીલ માહિતી મેળવી વોટ્સએપ મેસેજ અને કોલિંગથી શેર કરી
ભારતીય સેનાનાં વાહનોની મૂવમેન્ટ અંગેની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી વોટ્સએપ મેસેજ અને કોલિંગથી શેર કરી હતી. આ માહિતીના અવેજ તરીકે હમીદ તરફથી જુદા જુદા ઈસમોનાં બેંક એકાઉન્ટ મારફતે રોકડા રૂપિયા અને ફાયનાન્સ મારફતે USTDનું ટ્રાન્ઝેક્શન કરી અત્યાર સુધીમાં 75,856 રૂપિયા મેળવ્યા છે.
મની ટ્રાન્સફરનો ધંધો કરનાર માહિતી મોકલતો
સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાંથી દીપક કિશોર સાળુંકે નામના શખસની પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરવાના આરોપસર ધરપકડ કરી છે. તે ઓનલાઇન મની ટ્રાન્સફરનો ધંધો કરે છે. સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી સીમકાર્ડ અને માહિતી મેળવવામાં આવી હતી.
પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા રૂપિયાના રેકોર્ડ મળ્યા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય દિપક સાળુંકે પાકિસ્તાની જાસૂસી એજન્સી અને આઈએસઆઈ એજન્ટના સંપર્કમાં છે. જે ભારતીય સેનાની ગુપ્ત માહિતી તેમજ ભારતીય બનાવટના સીમકાર્ડ પાકિસ્તાની જાસૂસી એજન્સીને સપ્લાય કરી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી દિપક સાળુંકેને ત્યાં રેડ કરી તેની અટકાયત કરી હતી. બાદમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેની પાસેથી પાકિસ્તાની વ્યક્તિ હમીદ સાથેની ફેસબુક ચેટ અને દીપકના એકાઉન્ટમાં પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા 75 હજારથી વધુના રૂપિયાના રેકોર્ડ મળી આવ્યા હતા. જેને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે દિપકની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ફેસબુકના માધ્યમથી આઈએસઆઈના સંપર્કમાં આવ્યો
સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આઈએસઆઈ સાથે સંપર્ક ધરાવનાર દીપક સાળુંકે વિશે માહિતી આપતા પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પાકિસ્તાની વ્યક્તિ હમીદ દ્વારા ફેસબુક પર પૂનમ શર્મા નામે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જે એકાઉન્ટ થકી તે દીપક સાળુંકેના સંપર્કમાં આવ્યો હતો. સૌપ્રથમ તે પૂનમ શર્મા બનીને જ તેની સાથે વાત કરતો હતો. દિપક સાળુંકેનો વિશ્વાસ જીતી લીધા બાદ તેની સાચી ઓળખ તેણે આપી હતી.
રૂપિયાની લાલચમાં યુવાને માહિતી આપવા સંમતિ બતાવી
ફેસબુક પર ચેટિંગ દરમિયાન હમીદે દીપકને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે કામ કરે છે. મની ટ્રાન્સફરનું કામ કરતો હોવાથી દીપકને સૌપ્રથમ પાકિસ્તાની રૂપિયા ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરી આપવાનું કહેતા દિપકે તેમાં સંમતિ બતાવી હતી. ત્યારબાદ તેને ભારતીય બનાવટના સીમકાર્ડની જરૂર છે તેમજ તેણે દીપક પાસે ભારતીય સેનાની કેટલીક માહિતી અંગે પણ માગ કરી હતી.
દેશના કેટલાક ફોટો અને માહિતી વોટ્સએપ પર મોકલી હતી
વધુમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે પોલીસની પૂછપરછમાં દીપકે જણાવ્યું છે કે તેણે યુ-ટ્યુબ અને ગૂગલ મારફતે ફોટો ડાઉનલોડ કરીને હમીદને મોકલ્યા હતા. કોરોનાકાળ પહેલા દિપક સાઈ ફેશન નામે કપડાની દુકાન ચલાવતો હતો. કોરોના દરમિયાન નુકસાની જતા ત્યારબાદ તેણે મની ટ્રાન્સફરનો ધંધો શરૂ કર્યો હતો અને હાલ તે સુરતના ડીંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફરનો ધંધો કરી રહ્યો છે. પોલીસે તેના એકાઉન્ટની તપાસ કરતા પાકિસ્તાનથી ટ્રાન્સફર થયેલા 75,856 રૂપિયાનો રેકોર્ડ પણ પોલીસને મળી આવ્યો હતો. જેને આધારે પોલીસે હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
દેશવિરોધી કૃત્યનો ગુનો નોંધી તપાસ શરૂ
હાલ સુરત પોલીસે દીપક વિરુદ્ધ 121A અને 120B હેઠળ દેશવિરોધી પ્રવૃત્તિ કરવાનો ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે. જે અંતર્ગત તે અન્ય કયા એજન્ટોના સંપર્કમાં છે અને આ કામગીરી તેણે શા માટે કરી તે બાબતની પૂછપરછ ચાલુ છે. આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કોઈ તથ્યો બહાર આવે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ એ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.