લિંબાયત રત્નચોક પાસે નવાનગરમાં મુન્ના લંગડાની જુગારની ક્લબ પર વિજીલન્સે રેડ પાડી 26 જુગારીઓને 8 લાખના મુદામાલ સાથે પકડી પાડયા હતા. મુન્નો લંગડો અને તેનો ભાગીદાર સન્ની ભાસ્કર પાટીલ જુગારીઓને જુગાર રમવા વ્યાજે રૂપિયા આપતો હતો. એક રાજકારણી સાથે ઘરોબો હોવાથી બંને ખુલ્લેઆમ જુગારની કલબ ચલાવતા હતા.
એટલું જ નહિ લિંબાયત પોલીસે પણ આ જુગારની ક્લબ પર રેડ પાડવા તસ્દી લીધી ન હતી. જેથી વિજીલન્સે સુરત આવવાની ફરજ પડી હતી. બીજી તરફ વિજીલન્સની રેડને પગલે લિંબાયત પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી. હવે આ જુગારના કેસમાં પોલીસ કમિશનરે લિંબાયત પોલીસ સામે તપાસનો આદેશ આપ્યો છે.
ક્રાઇમબ્રાંચના મહિલા ડીસીપી જુગારના કેસની તપાસ કરશે. વિજીલન્સની ટીમે જુગારીઓ ભાગી ન જાય તે માટે ત્રણેય ગલી પાસે નાકાબંધી પણ કરી હતી. બીજી તરફ આ જુગારની ક્લબ દર કલાકે લાખોનો જુગાર રમાતો હોવાની વાત છે. જુગારમાં રોકડ હારી જાય તો મુન્નો લંગડો અને સન્ની પાટીલ વ્યાજે રૂપિયા આપતા હતા.
જુગાર રમવા માટે વ્યાજે રકમ આપી જુગારીઓ પાસેથી બાઇક કે કાર અથવા તો મોબાઇલ સહિતની વસ્તુઓ પડાવી લેતા હતા. નાનપુરાના સજ્જુ કોઠારી પછી જુગારની ક્લબમાં સન્ની પાટીલ અને મુન્નો લંગડાનું મોટું નામ છે. હાલમાં પોલીસે મુન્ના લંગડો સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા છે.
જુગારના ચક્કરમાં વ્યાજમાં ફસાયા
લિંબાયતના જુગારના અડ્ડા પર વિજીલન્સની રેડ બાદ સામે આવેલી હકિકતમાં જુગારના ચક્કરમાં ઘણા લોકો વ્યાજના ચક્કરમાં ભેરવાયા છે. આ બાબતે પોલીસ કમિશનર તેના વિશ્વાસુ અધિકારી પાસે તપાસ કરાવે તો ઘણી હકીકતો બહાર આવી શકે છે. હાલમાં રામવરણ ઉર્ફે મુન્નો લંગડો, સન્ની ભાસ્કર પાટીલ, અલ્તાફ શેખ સહિત 4ને વોન્ટેડ જાહેર કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.