ગ્રે-બ્રોકર્સનું રજીસ્ટ્રેશ:ચિટિંગ અટકાવવા ફોગવા હવે ગ્રે-બ્રોકર્સનું રજીસ્ટ્રેશન કરશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિંગ એકમોમાં 10 દિવસ સુધીના વેકેશનની પણ જાહેરાત કરી
  • વિવર્સો પાસે ગેરેન્ટી લેશે, વિવર્સો સાથેની મિટિંગમાં નિર્ણય લેવાયો

માર્કેટમાં ચિટિંગની ઘટનાઓને અટકાવવા માટે ફોગવા હવે ગ્રે-બ્રોકર્સનું રજીસ્ટ્રેશન કરશે. તેમજ વિવર્સોની ગેરેન્ટી પણ લેવાશે. વિવિંગ ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લઈને ફોગવા દ્વારા વિવર્સો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રે-બ્રોકર્સનું રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બ્રોકર્સ પણ ચિટિંગ નહીં કરે તેની બાંહેધરી 5 વિવર્સો પાસેથી લેવામાં આવશે. જે બ્રોકર્સને 5 વિવર્સોની બાંહેધરી મળશે તેનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ખાસ કરીને બ્રોકર્સો દ્વારા જાણીતા બ્રોકર્સના નામ રાખીને ચિટિંગ કરવામાં આવતી હોય છે. ત્યારે ચિટિંગની ઘટનાઓ અટકાવી શકાય તે માટે આ પહેલી વખત ગ્રે-બ્રોકર્સનું રજીસ્ટ્રેશન કરવાનું આયોજન ફોગવા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જે વેપારીના પેમેન્ટ દિવાળી સુધીમાં પાક્યા હોય તેમણે સત્વરે પેમેન્ટ કરી દેવુ ત્યારબાદ પેમેન્ટ કરનારને દિવાળીની રજાના દિવસોમાં વ્યાજની ગણતરીમાં બાદ મળશે નહિ. દિવાળી વેકેશન ફક્ત ઉત્પાદન માટે લાભપાંચમથી માર્કેટ ચાલું થાય ત્યારથી વિવર્સ દ્વારા પેમેન્ટ માટે ઉઘરાણી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ટેક્સટાઈલ ઉદ્યોગની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રથમ વખત વિવર્સો દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ફોગવા દ્વારા 24 ઓક્ટોબરથી 10 દિવસ સુધીનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘અમુક દલાલો જાણીતા દલાલોના નામ રાખીન છેતરપિંડી કરતાં હોય છે. ત્યારે ઉઠમણાં અને ચિટિંગ અટકાવવા આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...