સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી રમતા રમતા ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ત્રીજા માળેથી 5 વર્ષીય બાળકી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સુરતમાં બાળકો ઘર કે ગેલેરીમાં રમતા હોય છે અને વાલીઓ પોતાના કામમાં તલ્લીન થઇ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં એક 5 વર્ષીય બાળકી રમતી વેળાએ અકસ્માતે નીચે પટકાઈ હતી અને મોતને ભેટી છે.
ત્રીજા માળેથી બાળકી પટકાઈ
સુરતના પાંડેસરા ભગવતી નગર પાસે રહેતા દીપકકુમાર પ્રસાદની 5 વર્ષીય બાળકી અપ્રીતિ ઘરની ગેલેરીમાં રમી રહી હતી. આ વેળાએ તે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતા ત્યાં દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ બાળકીને માથા તથા કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સારવાર દરમિયાન બાળકીનું મોત
બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેની સારવાર ચાલી રહી હતી. જોકે, બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાળકી અચાનક નીચે પટકાતા સૌ ગભરાઈ ગયા
પાંડેસરાના ભગવતી નગરમાં ત્રીજા માળેથી અચાનક બાળકી નીચે પટકાઈ જતા ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિક રહીશ અને નજરે જુનાર વિકાસકુમારે જણાવ્યું હતું કે અમે અહીં નીચે બેઠા હતા. દરમિયાન અચાનક જ ઉપરથી પાંચ વર્ષીય બાળકી નીચે પટકાઈ હતી. તેને નીચે પડેલી જોતા અમે સૌ ગભરાઈ ગયા હતા. બાળકીની હાલત જોતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આખી રાત તેની સારવાર ચાલી દરમિયાન સવારે તેનું મોત થયાના સમાચાર મળતા સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.