સુરત:રિંગ રોડ પર આવેલી પાંચ ટેક્સટાઈલ માર્કેટને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સીલની કાર્યવાહી કરાઈ

સુરત2 વર્ષ પહેલા
પોલીસ કાફલાને સાથે રાખીને માર્કેટને બંધ કરાવવામાં આવી હતી.
  • માર્કેટમાં કેસ નોંધાય તો સીલ કરવાની અગાઉ જાહેરાત કરાઈ હતી
  • પાલિકાના કાફલાએ પોલીસને સાથે રાખીને માર્કેટને બંધ કરી દીધી

શહેરમાં કુદકે ને ભુસકે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે રિંગરોડ પર આવેલી પાંચ ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સીલ કરી દેવામાં આવી છે. ગત રોજ માર્કેટના અગ્રણીઓ નેતાઓ અને પાલિકાના અધિકારીઓ સાથે મિટીંગ યોજાયેલી જેમાં નક્કી કરવામાં આવેલું કે, જે માર્કેટમાં કોરોના પોઝિટિવના કેસ એક કરતાં વધુ નોંધાય તે માર્કેટને સીલ મારી દેવામાં આવશે. શનિ રવિ માર્કેટ બંધ રહ્યા બાદ આજે મિલેનિયમ માર્કેટ, સુરત ટેક્સટાઈલ માર્કેટ અને રઘુકુળ માર્કેટમાં પોઝિટિવ કેસ સામે આવતાં માર્કેટને અને અમુક ફ્લોર તથા વિભાગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના કાફલાએ પોલીસને સાથે રાખીને માર્કેટને સીલ કરી દીધી છે.

જે દુકાનમાં કેસ આવશે તે લાઈન બંધ કરાવાશે-ફોસ્ટા

ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ માર્કેટમાં એકથી વધુ કેસ આવશે તેમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાકી કરવામાં આવી રહી છે. એકથી વધુ કેસ આવે તેવા સંજોગોમાં સીલ મારવાનું નોટિફિકેશન જાહેર કરાયું છે. આ સંદર્ભે સાંસદ સીઆર પાટીલ તથા ફોસ્ટાના પ્રતિનિધિમંડળે પાલિકા કમિશનર બંછાનિધિ પાની સાથે વાત કરીને નક્કી કર્યું છે કે, જે માર્કેટમાં જે દુકાનમાં કેસ આવશે એ માર્કેટની સમગ્ર લાઈન(Row)અને સામેની લાઈન બંધ કરવામાં આવશે. બાકી માર્કેટ શરૂ રહેશે.

વેપારીઓમાં રોષ જોવા મળ્યો
અગાઉ નક્કી થયા મુજબ ચોક્કસ ગાઈડલાઈન સાથે ટેક્સટાઈલ માર્કેટ શરૂ કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ અગાઉ જ વેપારીઓને સૂચના આપી હતી કે, કોરોના કેસ વધે તેવા સંજોગોમાં સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે માર્કેટ બંધ કરી દેવામાં આવશે. જો કે, આજે માર્કેટ બંધ કરાવતી વખતે અમુક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓ માર્કેટની સામે ઉભા રહી ગયા હતાં. જો કે, પોલીસ કાફલો પાલિકાના કર્મચારીઓ સાથે લઈને આવ્યા હોવાથી માર્કેટ આડે વાંસ બાંધી દઈને બંધ કરી દેવામાં આવી હતી.

165 ટેક્સટાઈલ માર્કેટમાં ભય

શહેરમાં કુલ નાની મોટી 165 જેટલી ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. આ માર્કેટમાં જેમ જેમ કેસ વધતા જાય તેમ બંધ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે દુકાનમાં કેસ આવે તેની આસપાસ અને બાદમાં ફ્લોરને બંધ કરાશે તથા અંતે આખી માર્કેટને સીલ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...