તસ્કરી:સુરતમાં ડાયમંડ પ્રોસેસીંગ મશીન બનાવવાના ખાતામાંથી ફીટરે જ ટુકડે ટુકડે 2.77 લાખના પાર્ટ્સની ચોરી કરી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કતારગામ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કતારગામ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • સ્ટોકની ગણતરીમાં હિસાબ નહીં મળતા ખાતેદારે તપાસ કરતાં ભાંડો ફૂટ્યો

સુરતના કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ડાયમંડ પ્રોસેસીંગ મશીન બનાવવાના ખાતામાંથી ફીટરે જ 2.77 લાખના પાર્ટ્સની ચોરી કરી હતી.સ્ટોકની ગણતરીમાં હિસાબ નહીં મળતા ખાતેદારે તપાસ કરતા ફીટરે વીતેલા બે અઠવાડીયામાં ટુકડે ટુકડે કર્યાનું સામે આવ્યું હતું. જેથી ફીટર સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

હિસાબ ન મળતાં ભાંડો ફૂટ્યો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના ઘનશ્યામ નગરના વતની અને સુરતમાં વેડરોડ દર્શન પાર્ક ઘર નં.એ/11 માં રહેતા 41 વર્ષીય નરેશભાઇ નાનુભાઇ રાદડીયા કતારગામ વસ્તાદેવડી રોડ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ/28 માં સીલીકોન ટેક્નોલોજીસના નામે ડાયમંડ પ્રોસેસીંગ મશીન બનાવવાનું ખાતું ધરાવે છે. તેમને ત્યાં જુદાજુદા વિભાગમાં કુલ 25 કારીગરો કામ કરે છે. દરમિયાન, ત્રણ દિવસ અગાઉ તે સ્ટોક ચેક કરતા હતા ત્યારે હિસાબ નહીં મળતા તેમણે ખાતામાં ફીટ કરેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમને ત્યાં ફીટર તરીકે નોકરી કરતો પ્રફુલ જયંતીભાઈ કાનપરીયા ( ઉ.વ.31, રહે.ઘર નં.140, ઠાકોર દ્વાર સોસાયટી વિભાગ-2, લક્ષ્મણ નગર પાસે, કાપોદ્રા, સુરત, મૂળ રહે.વિઠ્ઠલપુર, જી.અમરેલી ) સ્ટોર રૂમમાંથી પાર્ટ્સ ચોરતો નજરે ચઢ્યો હતો.

સ્ટોરીમાંથી ચોરી થઈ
નરેશભાઈએ વિતેલા દિવસોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો પ્રફૂલ્લે 23 મે થી 4 જૂન દરમિયાન ખાતાના સ્ટોર રૂમમાંથી કુલ રૂ.2,76,745 ની મત્તાના પાર્ટ્સની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે નરેશભાઈએ ગતરોજ પ્રફુલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.