ક્રાઇમ:અમરોલીમાં બેનંબરના ધંધાની લેતીદેતીમાં યુવક પર ફાયરિંગ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકનો આબાદ બચાવ, 3 હુમલાખોરો સામે ગુનો દાખલ

અમરોલી કોસાડ આવાસમાં ચાલતા જુગાર-દારૂના ધંધામાં લેતીદેતી મામલે એક યુવક પર ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગની ઘટના ગુરુવારે રાત્રે બની હતી. તોફાની તત્વોએ 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાની વાત છે. જૈ પૈકી એક હવામાં, બીજો જમીન પર અને ત્રીજો ઈબ્રાહીમ પટેલ પર ફાયરિંગ કર્યુ હતું. જો કે સદનસીબે તે રિક્ષાની પાછળ પડી જતા તેના બચાવ થયો હતો. અમરોલી પોલીસે ઈબ્રાહીમ પટેલની ફરિયાદ લઈને હાસીમ એહરાર પાનવાલા(કોસાડ આવાસ,અમરોલી) તેમજ તેના બે મિત્રોં ફરહાન અને અજ્જુ સામે ગુનો નોંધ્યો છે. અમરોલી કોસાડ આવાસમાં એચ-2 બિલ્ડિંગ પાસે રોડ પર ગુરુવારે રાતે ઈબ્રાહીમ પટેલ તેના મામા અને ભાઈ સાથે આરોપી હાસીમને સમજાવવા ગયો હતો.

આ પહેલાં હાસીમે ઈબ્રાહીમના ભાણેજ ફૈઝલને માર માર્યો હતો. જેને લઈ હાસીમને સમજાવવા માટે જતા હાસીમે તેના બે મિત્રોને ત્યાં બોલાવ્યા હતા. ફરઝાને કારમાંથી ઉતરી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી હતી. આથી હાસીમે ફરહાનના હાથમાંથી રિવોલ્વર લઈ સમાધાન માટે આવેલા ઈબ્રાહીમ પર ફાયરિંગ કરી હતી. ઈબ્રાહીમ પર ફાયરિંગ કરાતા તે દોડીને રિક્ષાની પાછળ પડી જતા બચી ગયો હતો. આ ઘટના બાબતે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક સાંધવાની કોશિશ કરી જો કે તેમણે મોબાઇલ રિસીવ કર્યો ન હતો.

10 દિવસ પહેલાં પણ રિવોલ્વર બતાવી હતી
ફરિયાદી યુવક ઇબ્રાહીમ પટેલે જણાવ્યું કે કે અમે તો હાસીમને સમજાવવા ગયા હતા. ફૈઝલ અને હાસીમની બેનંબરી ધંધામાં રૂપિયાની કોઈ મેટર હતી. 8 થી 10 દિવસ પહેલા પણ હાસીમે ફૈઝલને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. હાસીમ કોસાડ આવાસમાં દારૂ-જુગારનો ધંધો કરે છે અને હથિયાર લઈ સાગરિતો સાથે ફરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...