દુર્ઘટના:ઉધના દરવાજા પાસે પેટ શોપમાં આગ, 20 પક્ષી જીવતા ભૂંજાયાં

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલિકે દુકાન બંધ કર્યા બાદ મોડી રાત્રે શોર્ટસર્કિટ થઈ
  • નિયમ હોવા છતાં રાત્રે કોઈ કેરટેકર પણ રહેતો ન હતો

ઉધના દરવાજા પાસે પેટ શોપમાં રવિવારે મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં પેટ શોપમાં અલગ અલગ પીંજરામાં કેદ 20 જેટલા પક્ષીઓ મોતને ભેટ્યા હતા.

ઉધના દરવાજા મસ્જીદ પાસે આરાધના બીલ્ડીંગમાં આવેલી ધ પેટ શોપ નામની દુકાનમાં પક્ષીઓ માટેના હિટર મશીનમાં શોર્ટસર્કીટના કારણે રવિવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાં આગ ભભૂકી ઉઠતા સ્તિતિ વિકટ બની હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં દુકાનમાં અલગ અલગ પાંજરામાં કેદ 20થી વધુ પક્ષીઓનાં મોત નિપજ્યાં હતાં તેમજ પક્ષીઓના પાંજરા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

નિયમોનું ભાગ્યે જ પાલન, પાલિકા કાર્યવાહી કરે
શહેરના મોટા ભાગનાં પેટ શોપનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવ્યું નથી. નિયમ મુજબ કોઈપણ પેટ શોપમાં રખાતા પશુ-પક્ષીની દેખરેખ માટે 24 કલાક માટે એક કેરટેકર હાજર રહેવો જ જોઈએ પરંતુ આ નિયમનું પાલન કરાતું નથી. રાત્રે કોલ મળતાં અમારી ટીમ ઘટના સ્થળે ગઈ હતી પણ શટર બંધ હતું. પાલિકા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરીને નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે. > દર્શન નાયક, પ્રમુખ, પ્રયાસ સંસ્થા

અન્ય સમાચારો પણ છે...