બેટરીમાં શોર્ટસર્કિટ બાદ આગ:અઠવાગેટ પર દોડતા બુલેટમાં આગ, દંપતી-બાળકનો બચાવ

સુરત22 દિવસ પહેલા
  • જંક્શન પર બાઇક ભડકે બળતાં નાસભાગ મચી ગઈ
  • હોસ્પિટલના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિન્ગ્યુશરથી આગ બુઝાવી

અઠવાગેટ નજીકથી પસાર થતા એક દંપતીના બુલેટની બેટરીમાં શોર્ટસર્કિટ બાદ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. યુવકે બુલેટ સાઈડમાં પાર્ક કરી પત્ની અને બાળક સાથે નીચે ઉતરી જતા ત્રણેયનો બચાવ થયો હતો. સામેની હોસ્પિટલના કર્મચારીઓ ફાયર એક્સ્ટિન્ગ્યુશર લઈ દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટના સ્થળે દોડી ગયેલી ફાયરબ્રિગેડે કૂલિંગની કામગીરી કરી હતી. બપોરના સમયે આરીફ ઈસ્માઈલ ભટ્ટી બુલેટ પર પત્ની અને બાળક સાથે અઠવાગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક બુલેટમાં આગ ભભૂકી ઉઠી હતી.

જો કે, ઈસ્માઈલભાઈએ તાત્કાલિક બાઈક સાઈડ પર પાર્ક કરી પત્ની અને બાળકને સાઇડમાં લઈ લીધા હતા. દરમિયાન નજીકની હોસ્પિટલના સ્ટાફની નજર પડતાં તેઓ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર એક્સ્ટિન્ગ્યુશર લઈ દોડી આવ્યા હતા અને આગ બુઝાવી દીધી હતી. પાલિકાના ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું કે બેટરીમાં સ્પાર્ક થતાં પેટ્રોલ લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બાઈક પર દંપતી અને બાળક હતા તેઓ સમયસર ઉતરીને બાજુ પર ખસી જતાં મોટી દુર્ઘટના ટલી હતી.